ઓગસ્ટ મહિનામાં મેઘરાજા રિસાયા હતા તેવું લાગ્યું. ઓગસ્ટમાં સારો વરસાદ થશે તેવી આશા રાખીને બેઠેલા ખેડૂતોને નિરાશા મળી. આખો મહિનો કોરો કટ સાબિત થયો હતો. ત્યારે સપ્ટેમ્બરમાં સારો વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે. પરંતુ ગુજરાતના અનેક જિલ્લાઓ એવા છે જ્યાં હજી પણ સારો વરસાદ નથી વરસ્યો. મેઘરાજાને રિઝવવા માટે પારંપરિક રીત રિવાજો કરવામાં આવી રહ્યા છે. ગુજરાતના દાહોદ જિલ્લાના આદિવાસી ખેડૂતોએ મેઘરાજાને મનાવવા 'દેડકી બોલાવવાની' પરંપરા કરી હતી. સાધુ બની ગામે ગામે ભિક્ષા માગી હતી અને પરંપરા પૂરી કરી હતી.
ઓગસ્ટ મહિનો કોરો સાબિત થયો હતો
જે રીતે ગુજરાતમાં વરસાદે પધરામણી કરી હતી, ધમાકેદાર એન્ટ્રી કરી હતી તેને લઈ ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ઉઠી હતી. આ સિઝન સારી જશે તેવી આશા ધરતીપુત્રોએ રાખી હતી. જે પ્રમાણે વરસાદને લઈ આગાહી કરવામાં આવતી હતી તેને જોઈ લાગ્યું હતું કે આ વર્ષે સિઝનમાં સારો વરસાદ થશે. શરૂઆત પણ સારી થઈ હતી. પરંતુ ઓગસ્ટ મહિનાની શરૂઆત થતા જ વરસાદ જાણે રિસાઈ ગયો હોય તેવું લાગ્યું હતું જેને કારમે ધરતીપુત્રો નિરાશ થઈ ગયા હતા. પરંતુ સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થતાં જ વરસાદે રિએન્ટ્રી કરી છે.
દાહોદમાં મેઘરાજાને રિઝવવા ખેડૂતોએ કરી આ પરંપરા
પરંતુ અનેક જિલ્લાઓ એવા છે જ્યાં વરસાદ નથી વરસી રહ્યો. વરસાદ ન થવાને કારણે ખેડૂતો ચિંતિત બન્યા. ખેતી કરીને જીવન વ્યતીત કરતા ખેડૂતોએ મેઘરાજાને રિઝવવા માટે પ્રાર્થના કરી હતી. મેઘરાજાને રિઝવવા માટે ગુજરાતના દાહોદ જિલ્લાના આદિવાસી ખેડૂતોએ મેઘરાજાના મનામણાં કરવા દેડકી બોલાવી હતી. લોકોએ વરસાદની આગાહી માટે ગામેગામ સાધુ બની ભિક્ષા માંગી આ પરંપરા પૂરી કરી.
દેડકીને પૂછવામાં આવે વરસાદ ક્યારે પડશે!
જેમાં ગામલોકો એકઠા થઈ સાધુ બનીને ગામમાં નીકળે છે અને ઘરે ઘરે થી સાધુની જેમ ભિક્ષા માંગે છે. ગામલોકો પોતાની પાસે જે પડ્યું હોય એટલું લોટ, દાળ, છાણાં તેલ જેવુ સીધું સામાન આપે છે અને સામાન ભેગો કરીને ગામના પાદરે મંદિરે જાય જ્યાં લોટમાંથી દેડકી બનાવવામાં આવે છે અને એક થાળમાં દેડકી મૂકી તેના ઉપર માટલી ઢાંકી દેવામાં આવે છે. અને દેડકીને તિથી પ્રમાણે વરસાદની આગાહી પૂછવામાં આવે છે. ત્યારે આ દેડકી માતા વરસાદ આવવાનો સંકેત આપે છે અને ગામમાંથી ભિક્ષા સ્વરૂપે ઉઘરાવેલું સીધું સામાન થી દાળ પાનિયા બનાવી ખાવામાં આવે છે.
આ પરંપરા અનેક લોકો માટે નવી હશે!
આ આખી પરંપરાનો વીડિયો સામે આવ્યો છે. જે દ્રશ્યો સામે આવ્યા છે તેને જોઈ કદાચ શહેરામાં રહેતા લોકો અથવા તો આ પરંપરાને ન જાણતા લોકોને આ એકદમ નવું લાગ્યું હશે. પરંતુ ગામડાઓમાં આવી પરંપરા ખૂબ પ્રચલિત છે. નવી પેઢીને પરંપરા વિશે ખબર પડે. વિજ્ઞાનના સમયમાં વાતાવરણની આગાહી મળ્યા બાદ પણ આ ભોળા ખેડૂતો જે રીતે મનાવે છે તે જોઈ મેઘરાજાએ પણ માની જવું જોઈએ.