જ્ઞાન સહાયકનો મુદ્દો ધીરે ધીરે શાંત પડતો ગયો ત્યારે એસટી વિભાગના કર્મચારીઓ લડી લેવાના મૂડમાં આવ્યા. ફિક્સ પેના કર્મચારીના પગારમાં 30 ટકાનો વધારો કરાયો પરંતુ એસટી વિભાગના કર્મચારીઓને આમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. તેમનો પગાર વધારો કરવામાં ન આવ્યો જેને કારણે તેઓ વિરોધ કરી રહ્યા હતા. વિરોધ કરી રહેલા એસટી વિભાગના કર્મચારીઓના સમર્થનમાં યુવરાજસિંહ આવ્યા હતા. સમર્થનમાં હોવાની વાત યુવરાજસિંહ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે ગઈકાલે કર્મચારીઓની માગ સ્વીકારવામાં આવી અને પગાર વધારો કરવામાં આવ્યો. આ નિર્ણય બાદ કર્મચારીઓની ખુશીઓનો પાર ન રહ્યો હતો. સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય બાદ યુવરાજસિંહે આ મામલે પ્રતિક્રિયા આપી હતી.
એસટી વિભાગના કર્મચારીઓની સુધરી દિવાળી
ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી આંદોલનો ચાલી રહ્યા છે. ટેટ-ટાટ પાસ ઉમેદવારોની માગ છે કે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે. ભાવિ શિક્ષકોએ જ્ઞાનસહાયક રદ્દ કરવામાં આવે તેવી માગ સાથે આંદોલન કર્યું હતું. વિવિધ કાર્યક્રમો કરી પોતાનો વિરોધ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ પાર્ટી ઉમેદવારોના સમર્થનમાં આવી. આપે દાંડી યાત્રા 2.0નું આયોજન કર્યું હતું. યાત્રાને અનેક સમય વિતી ગયો પરંતુ હજી સુધી આ મામલે કોઈ અપડેટ નથી.
યુવરાજસિંહનું વધુ એક આંદોલન સફળ!
ટેટ-ટાટ પાસ ઉમેદવારોની માગ નથી સ્વીકારાઈ પરંતુ એસટી બસ વિભાગના કર્મચારીઓની માગ સરકારે સ્વીકારી લીધી છે. એસટી વિભાગના કર્મચારીઓના સમર્થનમાં યુવરાજસિંહ હતા, આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. એક આંદોલનમાં તો યુવરાજસિંહને સફળતા મળી ત્યારે હવે ટેટ-ટાટ પાસ ઉમેદવારો માટે શરૂ કરવામાં આવેલું આંદોલન રંગ લાવે છે કે તે સમય બતાવશે..!