રાજ્યમાં સરકારી કર્મચારીઓ ભ્રષ્ટાચારના મામલે રીઢા બની ગયા છે. કર્મચારીઓને સારો પગાર મળતો હોવા છતાં પણ તે લાંચ લેવામાં શરમ અનુભવતા નથી. આ જ કારણે લાંચ લેવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે. ACB ટીમ અવારનવાર લાંચિયા અધિકારીઓને છટકું ગોઠવીને ઝડપી પાડે છે. જેમ કે દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી 1 લાખ રુપિયાની લાંચ લેતા ઝડપાઈ ગયા છે. શિક્ષણાધિકારી લાંચ લેતા ઝડપાતા સમગ્ર જિલ્લામાં શિક્ષણ જગત સહિત સરકારી મહેકમ આલમમાં ખળભળાટ મચી ગયો છે.
ACBની ટ્રેપમાં ફસાયા
દાહોદ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી મયુર પારેખ 1 લાખ રુપિયાની લાંચ લેતા ઝડપાયા છે. શિક્ષક પાસે બદલીનો ઓર્ડર આપવા બાબતે તેમણે લાંચ માંગી હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મયુર પારેખ ACBના છટકામા લાંચ લેતા રંગેહાથે ઝડપાઈ જતા દાહોદ શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. ગોધરા ACBએ મયુર પારેખને ઝડપી પાડવા માટે જિલ્લા પંચાયત ખાતે ટ્રેપ ગોઠવી હતી, આ ટ્રેપમાં તે આબાદ રીતે સપડાઈ ગયા હતા.
અગાઉ પણ DEO લાંચ લેતા ઝડપાયા હતા
આ અગાઉ પણ દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી કાજલ દવે માત્ર રૂપિયા 10 હજારની લાંચ ઝડપાઈ ગયા હતા. આ ઘટના બાદ તેમનો ચાર્જ પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખને સોંપવામાં આવ્યો હતો ત્યારથી મયુર પારેખ દાહોદ જિલ્લા શિક્ષણા ધિકારીનો ચાર્જ સંભાળતાં હતાં ત્યારે આજ રોજ તેઓ પણ રૂપિયા 1 લાખની લાંચ લેતાં ACB પોલીસના હાથે ઝડપાયા છે.