શિક્ષણ ક્ષેત્રે ચાલી રહેલા વ્યાપક ભ્રષ્ટાચારથી સૌ કોઈ વાકેફ છે. તેમાં પણ દાહોદમાં D.E.Oની કચેરી તેના ભ્રષ્ટાચારના કારણે ઘણી બદનામ છે. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં શિક્ષકોના કામો રૂપિયા ચૂકવ્યા વગર થતાં નથી તેવી ફરિયાદો પણ અનેક વખત થઈ છે. આ ફરિયાદોને આધારે આજે તા.16.3.2023 ના રોજ દાહોદ જિલ્લા સેવા સદન ખાતે આવેલ શિક્ષણાધિકારીની કચેરી ખાતે ગોધરા અને દાહોદ ACBની ટીમે ઓચિંતો દરોડો પાડયો હતો. ACBની ટીમે છટકું ગોઠવીને દાહોદ DEOને રૂ.10 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા છે. ACBનીની આ કાર્યવાહી બાદ દાહોદ જિલ્લામાં હડકંપ મચી ગયો છે.
DEOને પૂછપરછ માટે લઈ જવાયા
દાહોદ જિલ્લામાં હાલ 10-12ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. આ ટાણે જ ACBના દરોડાના કારણે દાહોદ જિલ્લામાં માહોલ ગરમાયો છે. દાહોદ જિલ્લાની શિક્ષણાધિકારીની કચેરી ખાતે ACBની ટીમએ દરોડો પાડતા જિલ્લા સેવા સદન ખાતે ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો. ACBની ટીમ દાહોદ જિલ્લા શિક્ષણાધીકારીને વધુ પૂછપરછ કરવા ACBની કચેરી ખાતે લઈ જવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.
સમગ્ર મામલો શું છે?
પેન્શન કેસના કાગળોમાં કોઇ લેણા બાકી ન હોવા બાબતના પ્રમાણપત્રમાં સહી કરવા માટે દાહોદ DEOએ ફરીયાદી પાસે રૂા.10,000/- ની લાંચની માંગણી કરી હતી. જે લાંચના નાણા ફરીયાદી આપવા માંગતા નહોતા તેથી તેમણે પોતાની ફરીયાદ ACBમાં કરી હતી. ફરીયાદીની ફરીયાદ આધારે આ જ રોજ લાંચના છટકાંનુ આયોજન દાહોદ જીલ્લા સેવા સદન ખાતે બીજા માળે આવેલ જીલ્લા શિક્ષાણાધિકારીની કચેરીમાં કરવામાં આવ્યું હતું. DEOએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂા.10,000/- ની લાંચની માંગણી કરી સ્વીકારી પકડાઇ ગયા હતા. ACBની ટીમે આરોપી DEOને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.