ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ રાજનીતિમાં પક્ષપલટાનો દોર શરૂ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. દર બીજા દિવસે કોઈ નેતા પોતાની પાર્ટી છોડી બીજી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ભાજપે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. અનેક ઉમેદવારોના પત્તા કપાઈ ગયા છે. ત્યારે મોડી રાત્રે ભાજપમાંથી ટિકિટ ન મળતા માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ ભાજપથી છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે.
માતરથી કેસરીસિંહને મળી શકે છે ટિકિટ
આ વખતે ગુજરાતમાં પક્ષપલટો કરવા ધારાસભ્યોને કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટીનો વિકલ્પ મળી રહ્યો છે. કોંગ્રેસમાંથી અથવા ભાજપમાંથી નારાજ થઈ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ત્યારે ભાજપમાંથી ટિકિટ ન મળતા માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ ભાજપને અલવિદા કહી દીધું છે અને આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. જેને કારણે રાજકારણ ગરમાઈ ગયું છે. કેસરીસિંહ સોલંકીના આમ આદમી પાર્ટીમાં જવાથી પાર્ટીમાં આંતરિક ડખા થઈ શકે છે કારણ કે પાર્ટીએ પહેલાંથી જ માતર માટે ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે માતરથી આપ કેસરીસિંહને ટિકિટ આપશે જેને કારણે મહિપતસિંહ ચૌહાણની ટિકિટ કપાઈ શકે છે.
અનેક વખત ઉમેદવારોના નામ કરાયા છે બદલી
આમ આદમી પાર્ટીએ નામની જાહેરાત કર્યા બાદ ઉમેદવારોના નામ ચેન્જ કર્યા છે. યુવરાજસિંહ પહેલાં જે જગ્યાથી ચૂંટણી લડવાના હતા તેને બદલી દેવામાં આવ્યું છે. ઉપરાંત ખંભાત માટે ઉમેદવારોના નામ બદલી દેવામાં આવ્યા હતા. ત્યારે માતરથી મહિપતસિંહ ચૌહાણનું પત્તુ કપાઈ જાય તો નવાઈ નહી.