રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ થયા હતો. હવામાન વિભાગની જાણકારી મુજબ રાજ્યના 21 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો હતો. રાજ્યમમાં સૌથી વધું વરસાદ બાલાસિનોરમાં નોંધાયો હતો. છૂટાંછવાયાં સ્થળોએ પવન સાથે કમોસમી હળવો વરસાદ થતા ખેડૂતોનો જીવ તાળવે ચોંટ્યો છે. હજી તો થોડા દિવસ પહેલાં જ ધોધમાર વરસાદે ખેડૂતોની હાલત કફોડી કરી નાખી હતી ત્યાં ફરી એક વાર માવઠું થતાં ખેડૂતોમાં ચિંતાનાં વાદળો ઘેરાયાં છે. 21 તાલુકામાં વરસાદ પડતાં ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું અને પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરી હતી. બીજી તરફ ખેતી નિયામકની કચેરી દ્વારા કમોસમી વરસાદથી પાકને બચાવવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
આ તાલુકામાં થયું માવઠું
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગઈકાલે ગુજરાતના 21 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં એક ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે ખેડાના ગળતેશ્વર અને મહિસાગરના લુણાવાડામાં માં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે.આ ઉપરાંત પંચમહાલના મોરવા હડફ, સાબરકાંઠાના વિજયનગર, ખેડાના ઠાસરા, મહિસાગરના કડામામાં અડધા ઈંચથી વધારે કમોસમી વરસાદ નોંધાયો છે. છૂટા છવાયા વરસાદની વાત કરીએ તો વીરપુર, ખાંભા, કપડવંજ, કાનપુર, સંતરામપુર, કલોલ, માગરોળ (સુરત), માલપુર, ખેડબ્રહ્મા, સાંજેલી, મેઘરજ, ઈડર, ફતેપુરા, મહુધામાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગે શું આગાહી કરી હતી?
હવામાન વિભાગનાં ડિરેક્ટર મનોરમા મોહંતીએ મીડિયાને કહ્યું હતું કે ‘બે દિવસ ગુજરાતમાં હળવો વરસાદ થઈ શકે છે. સાઉથ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ, અરવલ્લી, મહિસાગર, અમરેલી, જૂનાગઢમાં હળવો વરસાદ પડી શકે છે.’