બિહાર વિધાનસભામાં સેક્સ એજ્યુકેશન પર આપેલા નિવેદન બાદ સીએમ નીતિશ કુમાર વિવાદમાં ફસાયા છે. તેમણે આ મામલે માફી માંગી તો પણ તેમને વિરોધનો સામનો કરવો પડી છે. જોકે, સપા પ્રમુખ અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવે તેમના નિવેદનનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે આમાં કંઈ ખોટું નથી. નીતિશ કુમાર સેક્સ એજ્યુકેશન પર બોલી રહ્યા હતા.
સેક્સ એજ્યુકેશન પર ચર્ચા થવી જોઈએ
સપા નેતા ડિમ્પલ યાદવ ગુરુવારે યુપીના ઝાંસી પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે નીતિશ કુમારના નિવેદનનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું કે, નીતિશ કુમાર સેક્સ એજ્યુકેશન પર બોલી રહ્યા હતા. સામાન્ય રીતે લોકો ખુલીને વાત કરતા નથી. નીતિશજીએ પોતાની રીતે વાત કરી છે. સેક્સ એજ્યુકેશન પર ખુલીને ચર્ચા થવી જોઈએ. ભારતની વસ્તી સતત વધી રહી છે. આના પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે.
તેજસ્વી યાદવ અને પૂર્વ CM રાબડી દેવીએ પણ કર્યો બચાવ
નીતિશ કુમારના આ નિવેદન બાદ મહાગઠબંધનમાં નીતિશના સહયોગી આરજેડી તેમના બચાવમાં આવ્યા છે. નીતીશના નિવેદન પર ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ અને પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ સ્પષ્ટીકરણ આપ્યું છે. રાબડી દેવીએ કહ્યું, ભૂલથી તેમના મોંમાંથી તે નીકળી ગયું. તેમણે આ નિવેદન માટે ગૃહમાં માફી માંગી છે. વિપક્ષે ગૃહની કામગીરી કરવા દેવી જોઈએ. તેમણે કહ્યું કે નીતીશને તેમના નિવેદન પર પસ્તાવો છે. તે ભૂલથી બોલ્યા હતા. આ પહેલા તેજસ્વી યાદવે નીતિશ કુમારનો બચાવ કર્યો હતો. વિવાદ વધતાં તેમણે કહ્યું હતું કે મુખ્યમંત્રીના નિવેદનને અન્ય દ્રષ્ટિકોણથી જોવું યોગ્ય નથી અને તેઓ માત્ર સેક્સ એજ્યુકેશનની વાત કરી રહ્યા હતા, જે શાળાઓમાં પણ ભણાવવામાં આવે છે.