કચ્છમાં ખળભળાટ મચાવી દેનારા માધાપરના દિલીપ આહીર આત્મહત્યા કેસમાં ભૂજ LCB પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. દિલીપ આહીરને હનીટ્રેપમાં ફસાવનાર દિવ્યા અને અઝીઝ નામના શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. દિલીપ આહીરને હનીટ્રેપમાં ફસાવી આત્મહત્યા કરવા મજબૂર કરવાના કેસમાં પોલીસે મનિષા ગોસ્વામી, ગજુ ગોસ્વામી અને વિકાસ મકવાણા સહિત દુષ્કર્મની ફરિયાદી 3 યુવતી સહિત 9 આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે. આરોપીઓએ દિલીપ આહીરને હનીટ્રેપમાં ફસાવીને 4 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. હાલ પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે મનીષા ગોસ્વામી સામે અગાઉ પણ અમદાવાદમાં હનીટ્રેપનો ગુનો નોંધાયો છે. મનીષા ગૌસ્વામી પૂર્વ MLA જયંતિ ભાનુશાળી હત્યા કેસની મુખ્ય આરોપી છે.
સમગ્ર મામલો શું છે?
ભુજ તાલુકાના માધાપર ગામે રાજા રેસીડેન્સીમાં રહેતો દિલીપ ભનુભાઈ ગાગલ નામનો 32 વર્ષીય આહીર યુવક ગત અઠવાડિયે અમદાવાદથી ભુજ આવેલી એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો. ભુજ નજીકના સેડાતા પાસેના હાઈલેન્ડ રિસોર્ટમાં અમદાવાદની યુવતી પર કથિત દુષ્કર્મ થયાની પોલીસ ફરિયાદ બાદ યુવતીની તબીબી ચકાસણી તેમજ વિસ્તૃત નિવેદન લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત યુવતી દ્વારા આહીર યુવક સામે દુષ્કર્મનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જો કે, આરોપ મુદ્દે ફરિયાદ નોંધવામાં આવે તે પહેલા જ દિલીપે આત્મહત્યા કરી લેતા તેના પરિવાર તેમજ સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.