દેશની ડિજિટલ કરન્સી - 'ડિજિટલ રૂપિયા'નું પ્રથમ પાયલોટ ટેસ્ટિંગ મંગળવાર એટલે કે 1 નવેમ્બરથી શરૂ થશે, જેમાં નવ બેંકો સરકારી સિક્યોરિટીઝમાં ટ્રાન્ઝેક્શન માટે આ ડિજિટલ કરન્સિનો ઉપયોગ કરશે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ સોમવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ડિજિટલ રૂપી ( હોલસેલ ટ્રાન્ઝેક્શન)નું પ્રથમ પાયલોટ ટ્રાયલ 1 નવેમ્બરથી શરૂ થશે. આ ટેસ્ટિંગ હેઠળ સરકારી સિક્યોરિટીઝમાં સેકન્ડરી માર્કેટ ટ્રાન્ઝેક્શન સેટલ કરવામાં આવશે.
પાયલોટ ટ્રાયલ માટે 9 બેંકની પસંદગી
RBIએ 'સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી અથવા (central bank digital currency) CBDC' લાવવાની તેની યોજના તરફ એક પગલું ભરતા, ડિજિટલ રૂપિયાનો પાયલોટ ટ્રાયલ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. હોલસેલ ટ્રાન્ઝેક્શન માટે આ ટેસ્ટમાં નવ બેંકો ભાગ લેશે. આ બેંકોની ઓળખ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), બેંક ઓફ બરોડા, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, HDFC બેંક, ICICI બેંક, કોટક મહિન્દ્રા બેંક, યસ બેંક, IDFC ફર્સ્ટ બેંક અને HSBC તરીકે કરવામાં આવી છે. RBIના ડિજિટલ કરન્સીમાં સોદાના સેટલમેન્ટથી સેટલમેન્ટ ખર્ચમાં ઘટાડો થવાની શક્યતા છે.
રિટેલ સેગમેન્ટનો પ્રથમ ટ્રાયલ એક મહિનામાં શરૂ થશે
આ સાથે RBIએ કહ્યું કે ડિજિટલ રૂપિયા (રિટેલ સેગમેન્ટ)નો પ્રથમ પાયલોટ ટ્રાયલ એક મહિનાની અંદર શરૂ કરવાની યોજના છે. ટ્રાયલ ચોક્કસ વપરાશકર્તા જૂથો વચ્ચે પસંદગીના સ્થળોએ હાથ ધરવામાં આવશે, જેમાં ગ્રાહકો અને વેપારીઓનો સમાવેશ થાય છે. રિઝર્વ બેંકના જણાવ્યા મુજબ,ભવિષ્યના પાઇલોટ ટ્રાયલ્સમાં હોલસેલ સ્તર પર થનારા અન્ય સોદા અને ક્રોસ બોર્ડર પેમેન્ટ પર પણ ધ્યાન આપવામાં આવશે.