ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. દરેક પાર્ટી પોતાના ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતારતા હોય છે. અનેક વખત એવી સ્થિતિ બનતી હોય છે કોઈ પણ ઉમેદવારને લોકો પસંદ કરતા નથી. તે સમયે મતદારો નોટાનો ઉપયોગ કરતા હોય છે. નોટાને કારણે ઉમેદવારીની જીત હારમાં બદલાઈ જતી હોય છે તો અનેક ઉમેદવારોની હાર જીતમાં પરિવર્તિત થઈ જતી હોય છે. 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 31 બેઠકોના પરિણામ બદલાઈ ગયા હતા.
નોટા દ્વારા મતદારો પોતાની ના પસંદગી કરે છે વ્યક્ત
2022માં યોજાનારી ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. ગમે ત્યારે ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે. ચૂંટણી જાહેર થાય તે પહેલા દરેક રાજકીય પાર્ટી પ્રચાર કરી રહી છે. ચૂંટણી નજીક આવતા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે. આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે પરંતુ ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી. ઉમેદવારોની જીતથી પાર્ટીની જીત થતી હોય છે. મતાધિકારનો ઉપયોગ કરી પવિત્ર મત ઉમેદવારોને આપતા હોય છે. ત્યારે મતદારોને ઉમેદવારો પસંદ ન આવે તો નોટાનો ઉપયોગ કરતા હોય છે.
5 લાખ 51 હજાર મતદારોએ આપ્યો છે નોટાને મત
2017 વિધાનસભાની વાત કરીએ તો 3 કરોડ 15 હજાર મતદારોએ મતદાન કર્યું હતું. જેમાંથી 5 લાખ 51 હજાર મતદારોએ નોટાનું બટન દબાવ્યું હતું. પરિણામ બદલવાની તાકાત નોટા બટનમાં રહેલી હોય છે. નોટાને કારણે 31 બેઠકોનાં પરિણામ બદલાઈ ગયા હતા. જો નોટાને બદલે કોંગ્રેસને વોટ મળ્યા હોત તો કોંગ્રેસ સત્તામાં આવી શકી હોત તેવું નિષ્ણાંતોનું માનવું છે. નોટાએ જે 31 બેઠકોના પરિણામ બદલી નાખ્યા તેની વાત કરીએ તો કોંગ્રેસના 12 ઉમેદવારોની જીત નોટાને કારણે થઈ હતી. જ્યારે ભાજપના 17 ઉમેદવારો નોટાને કારણે જીતી ગયા હતા. કોંગ્રેસ 17 સીટ ગુમાવી હતી તો 12 સીટ કોંગ્રેસે હાંસલ કરી હતી. જો થોડી સીટ વધારે મળી ગઈ હોત તો કોંગ્રેસને 77 સીટને બદલે 82 સીટ મળી હોત. આ 82 સીટમાં 3 અપક્ષ, 1 NCP અને 2 BTPની સીટ મળીને કુલ 88 સીટ થઈ જ્યારે ભાજપે 94 સીટથી સંતોષ માનવો પડ્યો હોત.
સુપ્રિમ કોર્ટના આદેશથી EVMમાં કરાયો NOTA બટનનો સમાવેશ
ચૂંટણીમાં જો મતદારને ઉમેદવાર પસંદ ન આવે તો તે મતદાન કરવાનું ટાળતો હતો. જેને કારણે તે મતાધિકારનો ઉપયોગ કરતો ન હતો. લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે NOTA (None of the above)નો ઓપશનનો સમાવેશ EVMમાં કરવામાં આવ્યો છે. જો કોઈ મતદાર નોટાનું બટન દબાવવાથી કોઈ ઉમેદવારને મત નથી મળતો, પરંતુ જે-તે મતવિસ્તારમાં એને ગણવામાં આવે છે. જો નોટાના મત ઉમેદવારને મળેલા મતથી વધારે હોય તો મતદાન ફરી કરવામાં આવે છે. પરંતુ જો ફરી પણ મતદાનમાં નોટાને વધારે વોટ મળતા હોય તો બીજા ક્રમે આવતા ઉમેદવારને વિજેતા ઘોષિત કરવામાં આવે છે.
આ ઉમેદવારોને મળ્યો નોટાનો સહારો
નોટાને કારણે કોંગ્રેસના આ ઉમેદવારની જીત થઈ હતી. કપરાડાના જિતુ ચૌધરી, ડાંગના મંગળ ગાવિત, દિયોદરના શિવા ભૂરિયા, છોટા ઉદેપુરના મોહનસિંહ રાઠવા, વાંકાનેરના મહમંદજાવીદ, મોડાસાના રાજેન્દ્રસિંહ ઠાકોર, તળાજાના કનુ બારૈયા, ધાનેરાના નાથા પટેલ, સોજીત્રાના પૂનમ પરમાર, જામજોધપુરના ચિરાગ કાલરિયા, જેતપુરના સખરામ રાવઠા, દસાડાના નૌશાદ સોલંકી એ નોટાને કારણે જીત હાંસલ કરી હતી.
ભાજપના ઉમેદવારનો સહારો બન્યો નોટા - ગોધરાના સી.કે.રાઉલજી, ધોળકાના ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, માણસાના સુરેશકુમાર પટેલ, બોટાદના સૌરભ પટેલ, વિજાપુરના રમણ પટેલ, હિંમતનગરના રાજેન્દ્રસિંહ ચાવડા, પોરબંદરના બાબુ બોખીરિયા, ગારિયાધરના કેશુ નાકરાણી, ઉમરેઠના ગોવિંદ પરમાર, રાજકોટના લાખા સાગઢિયા, ખંભાતના મહેશકુમાર રાવલ, માતરના કેસરીસિંહ સોલંકી, પ્રાંતિજના ગજેન્દ્રસિંહ પરમાર, વાગરાના અરૂણસિંહ રાણા, ફતેપુરાના રમેશ કટારા, ડભોઈના શૈલેષ મહેતા, વીસનગરના ઋષિકેશ પટેલએ જીત હાંસલ કરી હતી. તેમજ લુણાવાડાના રતનસિંહ રાઠોડ અને મોરવાડ હડફથી ભૂપેન્દ્રસિંહ ખાંટને નોટાએ જીતાડ્યા.