શું તમને ખબર છે! મોરબી-વાંકાનેર હાઇવે પર એક નહીં પણ બે બોગસ ટોલનાકા ચાલતા હતા, જાણો ચોંકાવનારી હકીકત


  • Published By :
  • Published Date : 2023-12-18 17:02:08

ગુજરાતમાં મોરબી-વાંકાનેર હાઇવે પર બનાવેલું બોગસ ટોલનાકું ખૂબ ચર્ચામાં છે. આ ટોલનાકાનો મામલો ખૂબ ચગ્યો, પણ ઘણી એવી વાતો છે જે હજુ સુધી સામે નહોતી આવી. જેમ કે શું તમને ખબર છે? વાંકાનેર-મોરબી વચ્ચેના હાઇવે પર એક કે બે નહીં ત્રણ ટોલનાકા ચાલતાં હતાં. NHAIના અસલી ટોલનાકાની બાજુમાં જ એક નકલી ટોલનાકું હોવાની વાતો તો ઘણી થઈ, પરંતુ વધુ એક એટલે કે બીજું પણ નકલી ટોલનાકું વર્ષોથી બેફામ રીતે ચાલતું હતું. પહેલાં એક નકલી ટોલનાકાનો પ્લાન સફળ ગયો એટલે "વધુ સુવિધા" સાથે બીજું નકલી ટોલનાકું બનાવી દેવામાં આવ્યું હતું. એક અસલી ટોલનાકાની બન્ને તરફ વર્ષોથી બે નકલી ટોલનાકા બેફામ રીતે ચાલતા હતા.


વગર મૂડીની કમાણી


14 વર્ષ પહેલાં 1 સપ્ટેમ્બર, 2009ના રોજ મુખ્ય હાઇવે પર વઘાસિયા ગામ પાસે સત્તાવાર રીતે ટોલનાકું શરૂ કરવામાં આવ્યું હતું. આ રસ્તે જતાં વાહનો પાસેથી નિયમ મુજબ જ ટોલટેક્સ લેવામાં આવતો હતો, એટલે લોકોએ ટોલટેક્સ ન ભરવો પડે એ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી નાખી. વઘાસિયા ગામમાં એક તરફથી વાહન લઈને પ્રવેશો અને બે વખત રેલવે ફાટક ઓળંગીને ગામના બીજા છેડેથી ફરી પાછા હાઇવે પર ચડી જાવ તો ટોલનાકું બાયપાસ થઈ જાય. આ જોઈ વઘાસિયા ગામમાં રહેતા અમુક લોકોને આમાં વગર મૂડીની કમાણી દેખાઈ. એટલે થોડાક જ દિવસોમાં ગામના જ કેટલાક લોકોએ વઘાસિયામાંથી પસાર થતાં વાહનચાલકો પાસેથી પોતાની રીતે ટોલટેક્સ ઉઘરાવવાની શરૂઆત કરી દીધી હતી. એક રીતે ગામમાંથી પસાર થતાં વાહનચાલકો પાસેથી આ રીતે ટેક્સ ન ઉઘરાવી શકાય. પરંતુ વાહનચાલકોને પણ અસલી ટોલનાકા કરતાં સસ્તું પડતું હતું એટલે હાથમાં નોટ પકડાવીને રકઝક કર્યા વગર આગળ વધી જતા હતા. 'તેરી ભી ચૂપ, મેરી ભી ચૂપ' જેવો આ ખેલ હતો!


ફરિયાદ અંગે પોલીસે કોઈ કાર્યવાહી ન કરી


જે પણ વાહનચાલક NHAIને ટોલટેક્સ ચૂકવવો ન પડે એ માટે તે વઘાસિયા ગામનો રૂટ લે તો તેણે ગામમાં ઊભેલા લોકોને ઉપર આપેલા ભાવ પ્રમાણે રૂપિયા આપવા પડતા હતા. આવું ઉઘરાણું વર્ષ 2010થી ચાલતું હોવાની માહિતી મળી છે. વઘાસિયા ગામમાં હાથમાં ચલણી નોટોના બંડલ લઈને રોકડી કરતા લોકો ગામવાળાને પણ લાલચ આપતા કે આ રૂપિયાથી આપણે ગામનો વિકાસ કરીશું. જોકે આવી આવકના કારણે ગામની રોનકમાં કોઈ ફેર આજદિન સુધી પડ્યો નથી. વઘાસિયા ગામમાં વર્ષોથી ટોલનાકું ચાલતું હોવા છતાં જવાબદારો આંખ આડા કાન કરતા હતા. ચોંકાવનારી વાત એ પણ છે કે વઘાસિયા ગામમાં ટોલનાકાના નામે ચાલતા ગોરખધંધા અંગે ગામની જ એક વ્યક્તિએ કેટલાક સમય અગાઉ ફરિયાદ કરી હતી. છતાં પોલીસે કોઈ ખાસ કાર્યવાહી ન કરી. વઘાસિયા ગામે રહેતા દિલીપભાઈ કરસનભાઈ વાઢેરે કહ્યું, મારી વર્ષ 2010થી ફરિયાદ છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સુધી પત્રો લખ્યા હતા. ગામમાંથી મોટી સંખ્યામાં વાહનો પસાર થતાં હોય તો અકસ્માતનો પણ ભય રહેતો અને લોકો ગામમાં નકલી ટોલનાકું ઊભું કરીને લાખો રૂપિયા ચાંઉ કરી ગયા છે.

 

વઘાસિયા ગામના વિકાસના નામે ઉઘરાણી 


વઘાસિયા ગામના જાગૃત નાગરિક દિલીપભાઈ કહે છે, જો કોઈ ટ્રક નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સત્તાવાર ટોલનાકેથી નીકળે તો 600 રૂપિયા ટોલટેક્સ આપવો પડે. એ જ ટ્રક વઘાસિયા ગામમાંથી પસાર થાય તો માત્ર 100 રૂપિયા લેવામાં આવતા હતા. આ મુદ્દે અમે જ્યારે ફરિયાદ કરી હતી ત્યારે 50 લોકોના ટોળાએ મને માર પણ માર્યો હતો. અનેક વખત હું પોલીસ પાસે ફરિયાદ લઈ ગયો પણ મારી ફરિયાદ લેવામાં આવતી નથી. જે તે સમયે જિલ્લા કલેક્ટરને પણ મેં રજૂઆત કરી હતી. ત્યાર બાદ તલાટીએ એવો જવાબ લખીને ફાઇલ કર્યો હતો કે ગામના વિકાસ માટે અને બાબાસાહેબ આંબેડકરનું પૂતળું મૂકવા માટે લોકોએ સ્વેચ્છાએ ફાળો આપ્યો છે, પરંતુ આ રૂપિયા ટોલના ઉઘરાણાના  હતા.આખા તાલુકામાં એક પણ વ્યક્તિ નહીં હોય જેને નકલી ટોલનાકાની ખબર ન હોય, છતાં પોલીસ પ્રશાસન એમ જ કહે છે કે અમને આવા ટોલનાકા વિશે ખબર નહોતી. બધાને પોતપોતાની રીતે તેના ભાગ મળતો હોવાનો આક્ષેપ પણ દિલીપભાઈએ કર્યો છે.પોલીસને જ્યારે વઘાસિયા ગામમાંથી અનધિકૃત રીતે વાહનો પસાર થતાં હોવાથી ફરિયાદ મળી એ બાદ વર્ષ 2019માં તપાસ કરી હતી. વાંકાનેર પોલીસે અરજીના નિકાલમાં લખ્યું છે કે વાહનચાલકો સ્વેચ્છાએ રૂપિયા આપે છે. લૂંટનો કોઈ બનાવ બન્યો નથી. આ પત્રમાં તલાટીએ આપેલી 'લીલીઝંડી'નો પણ ઉલ્લેખ છે.


બીજું નકલી ટોલનાકું સિરામિક ફેક્ટરીમાં શરૂ થયું


વઘાસિયામાં અસલી અને નકલી ટોલનાકાનો ખેલ ચૂપચાપ રીતે વર્ષો સુધી ચાલતો રહ્યો. તેમાં મોટું પરિવર્તન આજથી લગભગ દોઢેક વર્ષ પહેલાં આવ્યું. અસલી ટોલનાકાની પાસે જ વ્હાઇટ હાઉસ સિરામિક નામની એક ફેક્ટરી આવેલી છે. આ ફેક્ટરી જેરામ પટેલના દીકરા અમરશી પટેલની છે. જેરામ પટેલ ઉમિયાધામ સિદસરના પ્રમુખ છે. આશ્ચર્યજનક રીતે આ બંધ ફેક્ટરી ભાડે આપી દેવામાં આવી હતી. જેમાં ન તો કોઈ વસ્તુનું ઉત્પાદન થતું હતું, ન તો કોઈ માલસામાન માટે તેનો ગોડાઉન તરીકે ઉપયોગ થતો હતો. આ ફેક્ટરીના પ્લોટની લંબાઈ એટલી હતી કે તેના એક દરવાજેથી કોઈ વાહન પ્રવેશે અને બીજા દરવાજેથી બહાર નીકળે તો NHAIનું અસલી ટોલનાકું બાયપાસ થઈ જાય, એટલે આ બંધ ફેક્ટરીનો ટોલનાકા તરીકે ઉપયોગ થવા લાગ્યો. જે વાહનચાલકને વઘાસિયા ગામના ધૂળિયા રસ્તે ન જવું હોય, બે વખત ફાટક ન ઓળંગવું હોય તો ફેક્ટરીમાં થઈને નીકળી જાય. વઘાસિયા ગામ કરતા આ રૂટ ટૂંકો હતો એટલે ઘણા વાહનચાલકોને "અનુકૂળ" આવતો હતો. આ કિસ્સામાં રસપ્રદ બાબત એ પણ છે આ ફેક્ટરીમાંથી પસાર થતા વાહનચાલકો પાસેથી જેટલા રૂપિયા લેવામાં આવતા હતા એ વઘાસિયા ગામમાં થતાં ઉઘરાણા કરતાં વધારે હતા. જો કે તે પણ NHAIના સત્તાવાર ટોલનાકા કરતાં ઓછા હોવાથી લોકો આ અનધિકૃત ટોલનાકું પણ વાહન ચાલકોમાં લોકપ્રિય બન્યું હતું.


જેરામ પટેલે દીકરાના બચાવમાં શું કહ્યું?


મોરબી વાંકાનેર હાઇવે ટોલનાકાથી આગળના ભાગે  વ્હાઇટ હાઉસ સિરામીક ફેક્ટરીમાંથી રસ્તો પસાર કરીને ગેરકાયદેસર ટોલનાકુ બનાવ્યું હતું. આ મામલે સિટી પોલીસે જેરામ પટેલના પુત્ર અમરશી પટેલ સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. આ સિરામીક કંપની સિદસર ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ જેરામ પટેલના પુત્ર અમરશીની હોવાનું સામે આવ્યું છે. જેથી જેરામ પટેલના પુત્ર અમરશી પટેલ સામે ગુનો નોંધાયો છે. આ કેસમાં જેરામ પટેલે દીકરા અમરશીનો બચાવ કરતા કહ્યું હતું, ટોલનાકા પાસે આવેલી ફેક્ટરી અમારી છે, જે બંધ હાલતમાં છે. આ ફેક્ટરી અમે ભાડે આપી હતી. જે બાબતે અમે ભાડા કરાર કર્યો હતો. આ ભાડા કરારના પુરાવા અમે પોલીસને પણ સોંપ્યા છે. તેમજ અમારી રજૂઆત તેમની સમક્ષ મૂકીશું. ભાડા કરારમાં ઉઘરાણા બાબતનો કોઈ ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી. કુલ 11 મહિનાનો ભાડા કરાર છે. અમે 10માં મહિનામાં નોટિસ પણ આપી હતી કે અમારે ભાડા કરાર રદ કરવો છે. વધુ સ્પષ્ટતા કરતા જેરામ પટેલે એમ પણ કહ્યું કે અમરશી પટેલની વ્હાઈટ હાઉસમાં (ટોલનાકા પાસેની ફેક્ટરી) કોઈ ભાગીદારી નથી અને તે કોઈ પદ પર પણ નથી. ઉલ્લેખનિય છે કે બે-બે નકલી ટોલનાકા ઊભાં કરવા મામલે 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. આ 5 લોકોમાં ભાજપ આગેવાન અને વઘાસિયા ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલા, તેના ભાઈ યુવરાજસિંહ ઝાલા, ઉમિયાધામ સિદસરના પ્રમુખ જેરામભાઈ પટેલના પુત્ર અમરશી પટેલનું નામ સામેલ છે.


સૌ કોઈની હતી મિલીભગત


વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા મોહમ્મદ જાવેદ પીરઝાદાએ દાવો કર્યો છે કે તેમણે નકલી ટોલનાકા અંગે અનેક વખત રજૂઆતો કરી હતી પરંતુ ઘણા લોકોની મિલીભગત હોવાના કારણે પગલાં લેવાયાં નથી. મોહમ્મદ જાવેદ પીરઝાદાએ કહ્યું, વર્ષ 2010થી વઘાસિયામાં આવું ટોલનાકું ચાલે છે. દોઢ વર્ષથી તો વ્હાઈટ હાઉસવાળું (મુખ્ય ટોલનાકાની બાજીમાં) સામે આવ્યું છે. મેં પણ રજૂઆતો કરી હતી. પરંતુ કોઈએ ધ્યાન આપ્યું ન હતું. આ વાત કોને ખબર નથી એ મોટો સવાલ છે. સૌ કોઈ એમ કહે છે અમને ખબર ન હતી એ વાત તો સદંતર ખોટી છે. પીરઝાદાએ સૌ કોઈની મિલીભગતથી ટોલનાકું ચાલતું હોવાનો આક્ષેપ કર્યો અને વધુમાં કહ્યું, હજી સુધી એક પણ આરોપી ઝડપાયો નથી, પોલીસ આ કેસ બાબતે શું કરી રહી છે એ પણ મોટો સવાલ છે. આરોપી વિરુદ્ધ જે કલમો લગાડી છે એ પણ હળવી છે. ધર્મેન્દ્રસિંહનું ફરિયાદમાં નામ છે તે ભાજપના ધારાસભ્ય જિતુ સોમાણી સાથે જ હોય છે. ધર્મેન્દ્રસિંહની ગણના જિતુ સોમાણીની ખૂબ નજીકના લોકોમાં થાય છે. ચૂંટણી હોય, સભા હોય કે બીજો કોઈ કાર્યક્રમ ધર્મેન્દ્રસિંહ ઘણી વખત હાર પહેરીને જ સોમાણીની સાથે હોય છે. તો શું ધર્મેન્દ્રસિંહને ધારાસભ્યનું પીઠબળ છે? આવા પણ સવાલો વાંકાનેર તેમજ આસપાસના વિસ્તારોના લોકોના મનમાં ઊઠી રહ્યા છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?