ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાએ વધુ એક ઐતિહાસિક સફળતા હાંસલ કરી છે. નીરજ ચોપરાએ ડાયમંડ લીગમાં પણ પોતાનું અને ભારતનું ગૌરવ વધાર્યું છે. ડાયમંડ લીગનો ખિતાબ જીતનાર નીરજ પ્રથમ ભારતીય એથ્લેટ છે. ઝ્યુરિચમાં આયોજિત ઇવેન્ટમાં, નીરજે 88.44 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે પ્રખ્યાત ખિતાબ જીત્યો.
ડાયમંડ લીગનો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ
નીરજે ગયા મહિનાના અંતે લોજન ડાયમંડ લીગમાં પ્રથમ સ્થાન મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ જ ફાઈનલ ગુરુવાર 8 સપ્ટેમ્બરની મોડી રાત્રે સ્વિટ્ઝર્લૅન્ડના ઝ્યુરિચમાં યોજાઈ હતી, જ્યાં નીરજને ખિતાબનો પ્રબળ દાવેદાર માનવામાં આવતો હતો. વર્લ્ડ ચેમ્પિયન એન્ડરસન પીટર્સની ગેરહાજરીને કારણે નીરજની જીત વધુ નિશ્ચિત બની હતી.
નીરજ માટે આ વર્ષ શુકનિયાળ
નીરજે આ વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો અને આવું કરનાર તે પ્રથમ ભારતીય એથ્લેટ બન્યો હતો. ત્યારબાદ તેણે સતત બે વખત પોતાનો જ રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો. નીરજે પહેલા પાવો નુર્મી ગેમ્સમાં 89.30m સાથે રેકોર્ડ બનાવ્યો હતો અને પછી ફરીથી સ્ટોકહોમ ડાયમંડ લીગમાં 89.94m સાથે રેકોર્ડ બનાવ્યો હતો.