ભાજપના વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ વિરૂદ્ધ ધ્રાંગધ્રા કોર્ટે ધરપકડ વોરંટ ઈસ્યુ કર્યું છે. મળતી માહિતી અનુસાર પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ હતી. જેનો કેસ ધ્રાંગધ્રા કોર્ટમાં ચાલી રહ્યો હતો અને આ અંગે કોર્ટે ચૂકાદો આપ્યો છે. કોર્ટની મુદત દરમિયાન હાર્દિક પટેલ ગેરહાજર રહ્યા હતા. કોર્ટે તેમની વિરુદ્ધ ધરપકડ વોરંટ ઈસ્યુ કર્યું છે.
આંચાર સંહિતા ભંગ બદલ નોંધાઈ હતી ફરિયાદ
હાર્દિક પેટલ સહિત અનેક લોકોને પાટીદાર અનામત આંદોલનના મુખ્ય સૂત્રધાર માનવામાં આવે છે. પાટીદાર અનામત આંદોલન સમયે ધ્રાંગધ્રાના હરીપર ગામે એક સભા યોજાઈ હતી. યોજાયેલી પાસની સભા દરમિયાન આચાર સંહિતાનો ભંગ થતાં હાર્દિક પટેલ વિરૂદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી.
શું પોલીસ હાર્દિક પટેલની ધરપકડ કરશે?
પોલીસ મથકમાં ધ્રાંગધ્રા પાસના પ્રમુખ કૌશીક પટેલ અને હાર્દિક પટેલ ઉપર કેસ નોંધાયો હતો. આ કેસ ધ્રાંગ્રધ્રા પ્રિન્સિપલ સિનિયર સિવિલ કોર્ટમાં ચાલતો હતો પરંતુ મુદત દરમિયાન હાર્દિક પટેલ હાજર ન રહ્યા હતા. જે બાદ કોર્ટે હાર્દિક પટેલ વિરુદ્ધ ધરપકડ વોરંટ ઈસ્યું કર્યું છે. ત્યારે જોવાનું એ રહેશે પોલીસ ભાજપના વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલની ધરપકડ કરે છે કે નહીં?
ધારાસભ્ય વિરૂદ્ધ ચાલી રહ્યા છે અનેક કેસ
હાર્દિક પટેલ વિરૂદ્ધ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં પણ કેસ ચાલી રહ્યો છે. નિકોલના વર્ષ 2018માં આ કેસ કરવામાં આવ્યો હતો. જાન્યુઆરીમાં કેસની સુનાવણી દરમિયાન ગેરહાજર રહ્યા હતા. જેને લઈ કોર્ટે સમન્સ પાઠવ્યું હતું. તે બાદ ફેબ્રુઆરીની સુનાવણીમાં પણ તેઓ ગેરહાજર હતા. જે બાદ કોર્ટે હાર્દિક પટેલને ટકોર કરી હતી. મળતી માહિતી અનુસાર હાર્દિક પટેલ વિરુદ્ધ 20 કેસ નોંધાયા છે જેમાં બે રાજદ્રોહના કેસનો સમાવેશ થાય છે.