દેશમાં યોજાનારી લોકસભાની ચૂંટણીના પડઘમ વાગવાના શરૂ થઈ ગયા છે. તમામ રાજકીય પક્ષો આ ચૂંટણીની તૈયારીમાં લાગી ગય છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે તો લોકસભાની ચૂંટણી માટે પાર્ટીના ધારાસભ્યો, પદાધિકારીઓ અને કાર્યકરોને ટાર્ગેટ પણ આપી દીધું છે. રાજ્યની તમામ 26 લોકસભા સીટો 5 લાખના માર્જિનથી જીતવા માટે તૈયારી કરવાનું સીઆર પાટીલે કહ્યું છે. જો કે સીઆર પાટીલની આ જાહેરાત ભાજપના કેટલાક ધારાસભ્યો માટે ચિંતાજનક બની છે. ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાએ તો આ અંગે જાહેરમાં ચિંતા વ્યક્ત કરી હતી અને આ અંગે હૈયાવરાળ ઠાલવતો તેમનો વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
શું કહ્યું મહેન્દ્ર પાડલીયાએ?
ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાએ તાજેતરમાં લોકસભા ચૂંટણી માટે ગોંડલ ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં તેમણે કાર્યકરોને સંબોધ્યા હતા. તેમણે ઉપસ્થિત લોકોને કહ્યું કે 'સી.આર પાટીલે લોકસભા માટે આપેલા 5 લાખની લીડના ટાર્ગેટની વાત કરી રહ્યા છે. તેઓ કહે છે કે, મારે તો થોડુંક અઘરું છે… ધોરાજી ઉપલેટમાં 5 લાખની લીડ કેમ કરવી? પાટીલ સાહેબે કહ્યું 5 લાખની લીડનું ત્યારથી મને ટેન્શન આવી ગયું છે. ધોરાજી-ઉપલેટામાંથી લીડ ના થાય મારાથી, પાટીલ સાહેબે કહ્યું જયેશ રાદડીયા અને જયરાજસિંહને કહેવું પડશે સવા સવા લાખની લીડમાં તમે મદદ કરજો, જયેશભાઇ અને જયરાજસિંહ મદદ કરે તો મારે લીડમાં વાંધો ના આવે.' ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાનો વીડિયો હાલમાં પંથકમાં ખૂબ વાઈરલ થયો છે.