બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર ગુજરાતના અનેક શહેરોમાં લાગી રહ્યા છે. સૌથી પહેલા સુરતમાં દિવ્ય દરબાર લાગ્યો હતો,જે બાદ અમદાવાદમાં તેમનો દિવ્ય દરબાર યોજાયો હતો ત્યારે આજે રાજકોટ ખાતે તેમનો દરબાર યોજાવાનો છે. દિવ્ય દરબારને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારથી લોકોની ભીડ જ્યાં દરબાર યોજાવાનો છે ત્યાં જોવા મળી રહી છે. દિવ્ય દરબાર યોજાય તે પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ હનુમાન મંદિરની મુલાકાત લીધી હતી. તે સિવાય કાલાવડ રોડ પર આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની પણ મુલાકાત લીધી હતી.
ભાજપ અને કોંગ્રેસ બંને મારા ચેલા - ધીરેન્દ્ર શાસ્ત્રી
પોતાના નિવેદનોને કારણે ધીરેન્દ્ર શાસ્ત્રી હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે હાલ બાબા ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજે રાજકોટ ખાતે તેમનો દિવ્ય દરબાર યોજાવાનો છે. અનેક ભક્તો રાતથી જ જ્યાં દરબાર યોજાવાનો છે ત્યાં પહોંચી ગયા છે. ત્યારે દિવ્ય દરબાર પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ નિવેદન આપ્યું કે ભાજપ અને કોંગ્રેસ બંને મારા ચેલા છે. મુસ્લિમોને ભારતમાં રહેવાનો અધિકાર છે, કોઈ પણ ધર્મે ભારત છોડવાની જરૂર નથી. હિન્દુ પર કોઈ પથ્થર ન ફેંકે તે માટે હિન્દુ રાષ્ટ્રની જરૂર છે. રામજી જ્યાં જાય છે ત્યાં રાવણ ઉભા થાય છે.
હનુમાનજીને લઈ બાબાએ આપ્યું હતું નિવેદન!
બાબા VIP અને VVIP દરબાર લગાવે છે તે અંગે ઘણા સમયથી ચર્ચા ચાલે છે. ત્યારે આ મામલે ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે વીવીઆઈપી દરબાર વિશે મને ખબર નથી. ક્યારેય મારો દરબાર આવો થયો નથી. વીઆઈપી પાસ વેચાઈ રહ્યા હોય તો તે મુર્ખતા છે. જ્યાં સુધી પ્રાણ રહેશે ત્યાં સુધી આવા દરબાર નહીં કરું. મહત્વનું છે કે આની પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે ગુજરાતના પાગલો, એક વાત તમે તમારી જિંદગીમાં યાદ રાખજો. હું તમારી પાસે ધન લેવા નથી આવ્યો, ના હું તમાસી પાસે સન્માન લેવા આવ્યો છું. હું તમને મારા ખિસ્સામાંથી હનુમાન આપવા આવ્યો છું. આ નિવેદનને લઈ બાબાનો વિરોધ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.