આખા દેશમાં આજે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે દિવાળીના દિવસે ભગવાન રામ અયોધ્યા પરત ફર્યા હતા. તેની ખુશીમાં અયોધ્યાવાસીઓએ દિવા પ્રગટાવી તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારથી લઈ આ પરંપરા અનુસાર દિવાળીના દિવસો દરમિયાન દીવો પ્રજવલિત કરવામાં આવે છે. ત્યારે આજે સાંજે પીએમ મોદીએ દેશવાસીઓને અનુરોધ કર્યો છે કે ઘરમાં દીવો પ્રગટાવવામાં આવે. ત્યારે આજે જાણીએ દીવાનું મહત્વ ધાર્મિક દ્રષ્ટીએ અને વૈજ્ઞાનિક દ્રષ્ટીએ.
દીપનારાયણને માનવામાં આવે છે કર્મના સાક્ષી
આપણે જ્યારે કોઈ પણ શુભ કામ કરીએ છીએ ત્યારે કર્મ કરતા પહેલા દીવો પ્રગટાવવામાં આવે છે. જ્યાં સુધી કર્મ ચાલે છે ત્યાં સુધી દીવો અખંડ રાખવામાં આવે છે. કર્મ કરતા પહેલા દીવો એટલા માટે પ્રજવલિત કરવામાં આવે છે કારણ કે દીપનારાયણને તેમજ સૂર્ય નારાયણને કર્મના સાક્ષી માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે દીવો એટલા માટે કરવામાં આવે છે કારણ કે તે અંધકારને દૂર કરે છે. અંધકાર દૂર કરી સકારાત્મક ઉર્જા મળે છે. જીવનમાં પ્રકાશ ફેલાય તે માટે દીવો આપણે ત્યાં પ્રગટાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માતાજી સમક્ષ જ્યારે દીવો પ્રગટાવો છો ત્યારે આડી દીવેટ કરવી જોઈએ અને જ્યારે દેવ આગળ દીવો પ્રજવલિત કરવામાં આવે છે તો ઉભી દીવેટ કરવી જોઈએ.
ઘરના મંદિરમાં અનેક લોકો કરતા હોય છે પ્રતિદિન દીવો
અનેક લોકો પ્રતિદિન મંદિરમાં દીવો કરતા હોય છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં પ્રતિદિન દીવો કરવામાં આવે છે તે ઘરમાં દરિદ્રતા નથી રહેતી. માતા લક્ષ્મીનો વાસ તે ઘરમાં રહે છે તેવી માન્યતા છે. સામાન્ય રીતે ઘીનો દીવો કરવામાં આવે છે પરંતુ જો ઘીની વ્યવસ્થા ના હોય તો સામાન્ય રીતે તેલનો દીવ પણ કરી શકાય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટીથી પણ દીવાનું મહત્વ રહેલું છે. એવું માનવામાં આવે છે કે દીવો કરવાથી વાતાવરણમાં રહેલા હાનિકારક વાયરસનો નાશ થાય છે. ઘીનો દીવો કરવાથી વાતાવરણ શુદ્ધ થાય છે. વાતાવરણમાં શુદ્ધતા ફેલાય છે.
(નોંધ - અહીંયા આપેલી માહિતી માન્યતાઓ પર આધારીત છે)