પોષી પૂનમ એટલે અંબિકા પ્રાગટ્ય. માન્યતા અનુસાર દૈત્યોનો સંહાર કરવા માટે માતાજીનું પ્રાગટ્ય થયું હતું. પૃથ્વી પર જ્યારે રાક્ષસોનો ત્રાસ વધી ગયો અને દેવતાઓની શક્તિ પણ રાક્ષસો આગળ ઓછી થતી લાગી તે વખતે દેવતાઓએ પોત પોતાની શક્તિ આપી હતી અને એ શક્તિોઓમાંથી માતાજીની ઉત્પત્તિ થઈ હતી. કોઈ દેવતાએ માતાજીને અસ્ત્ર આપ્યા, કોઈ દેવતાએ માતાજીને સિંહ આપ્યો. પોષ મહિનાની પૂનમને અંબિકા પ્રાગટ્ય તરીકે ઓળખાય છે પરંતુ આ પૂનમને શાકંભરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે.
દુર્ગ નામના રાક્ષસે મચાવ્યો હતો આતંક!
શાકંભરી માતાના ઉત્પત્તિને લઈ હિંદુ ગ્રંથોમાં અલગ અલગ પ્રમાણો મળે છે. શાસ્ત્રમાં મળતા ઉલ્લેખ પ્રમાણે માતાજીએ દેવતાઓને પ્રસન્ન થઈ વરદાન આપ્યું હતું કે એકવાર ભારે અનાવૃષ્ટિ સર્જાશે. દુકાળનો સામનો કરવો પડશે. ઋષિ મુનીઓની પ્રાર્થનાથી હું પ્રસન્ન થઈશ અને અયોનિજા સ્વરૂપે પ્રગટ થઈશ અને મારા અંગોમાંથી અનેક પ્રકારના શાકભાજી ઉત્પન્ન થશે. શાકંભરી માતાના બીજા ઉલ્લેખની વાત કરીએ તો તે મુજબ દુર્ગા દેવીને શતાક્ષી રૂપે બતાવવામાં આવ્યા છે. દુર્ગ નામના રાક્ષસે ત્રણેય લોક પર પોતાનું પ્રભુત્વ સ્થાપિત કર્યું હતું જેને કારણે યજ્ઞકાર્ય કરી શકાતા ન હતા.
માતાજીએ ધારણ કર્યું શતાક્ષી સ્વરૂપ
યજ્ઞ બંધ થવાને કારણે દેવતાઓની શક્તિઓ ઓછી થઈ હતી. વરસાદ પણ ન વરસ્યો હતો અને દુકાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ભક્તોને દુખી જોઈ માતાજીએ શતાક્ષી રૂપ ધારણ કર્યું અને માતાજી 100 આંખોથી રડ્યા. 100 આંખોથી માતા રડ્યા જેને કારણે પાણીનું આગમન થયું. વરસાદ થવાને કારણે શાકભાજી તેમજ ફળફળાદી ઉત્પન્ન થયા. 100 આંખો વાળું રૂપ માતાજીએ ધારણ કર્યું જેને કારણે તેમને શતાક્ષી તરીકે ઓળખવામાં આવે છે.
કેવું છે માતાજીનું સ્વરૂપ?
શાકમ્ભરી નીલવર્ણી નીલોત્પલ વિલોચના
ગમ્ભીર નાભિસ્ત્રવલીવભૂષિતતનૂદરી|
માતાજીના સ્વરૂપની વાત કરીએ તો માતા શાકંભરી કમળમાં નિવાસ કરે છે. તેમનો વર્ણ નીલવર્ણ સમાન છે. વિશાળ શતનેત્રોને કારણે તેમનો વર્ણ નીલવર્ણના લાગે છે.અનેક પ્રકારની શાકભાજી તેમજ ફળફળાદીથી તેઓ ઘેરાયેલા છે. આ ઋતુ દરમિયાન લગભગ દરેક શાકભાજી ઉપલબ્ધ હોય છે. વિવિધ પ્રકારના ફ્રૂટ પણ જોવા મળે છે.