નવરાત્રીના નવ દિવસો દરમિયાન માતાના નવ દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. નવરાત્રીના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની તો બીજા નોરતે માતા બ્રદ્મચારિણી માતાની આરાધના કરવામાં આવે છે. ત્રીજા નોરતે માતા ચંદ્રઘંટાની તો ચોથા નોરતે માતા કુષ્માંડાની પૂજા કરવામાં આવી. આજે આસો નવરાત્રીનો પાંચમો દિવસ છે પાંચમા નોરતે નવદુર્ગાના પાંચમા સ્વરૂપ એવા સ્કંદમાતાની પૂજા કરવામા આવે છે. સ્કંદ એટલે ભગવાન કાર્તિકેય.. સ્કંદ ભગવાનના માતા હોવાને કારણે તેઓ સ્કંદ માતા તરીકે ઓળખાય છે...
પાંચમાં નોરતે થાય છે સ્કંદમાતાની પૂજા
હિંદુ ધર્મ ગ્રંથોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે માતાજીના દરેક સ્વરૂપને સ્ત્રીના જીવનના અલગ અલગ તબક્કાને દર્શાવે છે.. નવરાત્રીના પાંચમાં દિવસે સ્કંદમાતાની આરાધના કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માતાજી આ રૂપ ધારણ કરી ભક્તો રૂપી સંતાનનું રક્ષણ કરે છે. એવી માન્યતા છે કે જ્યારે દેવરાજ ઈન્દ્રએ ભગવાન કાર્તિકેયને હેરાન કર્યા ત્યારે માતાજીએ સિંહ પર સવારી કરી ભગવાન કાર્તિકેયને પોતાના ખોળામાં લીધા હતા.જેને કારણે ભગવાન ઈન્દ્ર ડરી ગયા અને માતાજીને પ્રાર્થના કરવા લાગ્યા.
બીજી એક કથા અનુસાર જ્યારે રાક્ષસ તારકાસુરનો અત્યાચાર ચરમસીમાએ પહોંચ્યો ત્યારે તેનો વધ કરવા માટે ભગવાન કાર્તિકેયને યુદ્ધની તાલીમ માતા પાર્વતીએ આપી હતી. અને તે બાદ કાર્તિક ભગવાને તારકાસુરનો વધ કર્યો હતો. રાક્ષસોનો સંહાર કરવા માટે કાર્તિકેય ભગવાનનો જન્મ થયો હતો તેવો ઉલ્લેખ અનેક ધાર્મિક ગ્રંથોમાં મળી આવે છે...
કેવું છે માતાજીનું સ્વરૂપ?
એવું માનવામાં આવે છે કે સ્કંદમાતાની ઉપાસના કરવાથી ભક્તને સંતાન પ્રાપ્તિ થાય છે. માતાજીના સ્વરૂપની વાત કરીએ તો સ્કંદમાતા સિંહ પર સવારી કરે છે. પોતાની બંને ભૂજાઓમાં માતાજીએ કમળ ધારણ કર્યું છે અને એક હાથથી માતાજી સ્કંદ ભગવાનનું રક્ષણ કરી રહ્યા છે અને બીજા હાથે ભક્તને આશીર્વાદ આપી રહ્યા છે. દરેક દેવીને સમર્પિત મંત્ર હોય છે. સ્કંદમાતાના મંત્રની વાત કરીએ તો આ મંત્રથી તેમની પૂજા કરવી જોઈએ -
सिंहासनगता नित्यं पद्माश्रितकरद्वया|
शुभदास्तु सदा देवी स्कंदमाता यशस्विनी||
અર્થાત સિંહ પર સવારી કરનાર અને પોતાના હાથમાં પદ્મને ધારણ કરનાર સ્કંદમાતા અમારૂં કલ્યાણ કરો અને અમને યશ આપો.. જે ભક્ત આસ્થાથી માતાજીની પૂજા કરે છે તેની પર માતાજીની અસીમ કૃપા રહેતી હોય છે. એવું માનવામાં આવે છે કે માતાજીના સ્વરૂપની પૂજા કરતા પહેલા સ્કંદભગવાનની પૂજા કરવી જોઈએ.. પાંચમા નોરતા નૈવેદ્ય તરીકે કેળા અર્પણ કરવા જોઈએ.
(નોંધ - અહીંયા આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે)