શા માટે માતાજી કહેવાયા કાલરાત્રિ?
નવરાત્રીના દિવસો દરમિયાન નવ દુર્ગાની આરાધના થાય છે. નવરાત્રીના સાતમા દિવસે કાલરાત્રિ માતાની આરાધના કરવામાં આવે છે. માતાજીના આ રૂપને રૌદ્ર રૂપ માનવામાં આવે છે. માતાજીના ઉત્પત્તિની વાત કરીએ તો એવું માનવામાં આવે છે કે માતા પાર્વતીએ દુષ્ટોનો નાશ કરવા માટે આ રૂપ ધારણ કર્યું હતું, દૈત્ય શુંભ, નિશુંભ તેમજ રક્તબીજનો વધ કરવા માટે માતાજીએ આ રૂપ લીધું હતું. રાત્રીના અંધકાર જેવો તેમનો વર્ણ હોવાને કારણે તેઓ કાલરાત્રિ તરીકે ઓખળવાય છે.
કયા મંત્રથી કરવો જોઈએ માતાજીનો જાપ?
માતાજીના સ્વરૂપની વાત કરીએ તો માતા ગદર્ભ એટલે ગધેડાની સવારી કરે છે. તેઓ ત્રિનેત્રધારી છે, માતાજીને ચારભૂજાઓ છે. એક હાથમાં માતાજીએ ખડગ, બીજા હાથમાં માતાજીએ લોખંડનું શસ્ત્ર ધારણ કર્યું છે. ત્રીજા હાથમાં માતાજીએ અભય મુદ્રા ધારણ કરી છે જ્યારે ચોથા હાથથી માતાજી ભક્તોને આશીર્વાદ આપે છે. પ્રત્યેક દેવીને સમર્પિત મંત્ર હોય છે. જો એ મંત્રનો જાપ કરવામાં આવે તો માતાજી જલ્દી પ્રસન્ન થાય છે અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.. કાલરાત્રિ માતાના મંત્ર આ પ્રમાણે છે -
एकवेणी जपाकर्णपूरा नग्रा खरास्थिता,
लम्बोष्ठी कर्णिकाकर्णी तैलाभ्यक्तशरीरिणी वामपादोल्लसल्लोहलताकण्टकभूषणा,
वर्धनमूर्धध्वजा कृष्णा कालरात्रिर्भयड्करी||
સાતમાં દિવસે આ નૈવેદ્ય કરવો જોઈએ અર્પણ
જો આ મંત્રનું ઉચ્ચારણ શક્ય ના હોય તો માતાના બીજમંત્રનો જાપ કરવો જોઈએ... ઓમ્ એં હ્રીં ક્લીં કાલરાત્રૈ નમ:. નવરાત્રી દરમિયાન માતાજી સમક્ષ દિવસ પ્રમાણે પ્રસાદ, નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ. અલગ અલગ પ્રસાદ અર્પણ કરવાથી માતાજી જલ્દી પ્રસન્ન થાય છે. નવરાત્રીના સાતમા નોરતે ગોળનો પ્રસાદ માતાજીને અર્પણ કરવો જોઈએ...
(નોંધ - અહીંયા આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે)