ગઈકાલથી માના નવલા નોરતાનો પ્રારંભ થઈ ગયો છે.... નવરાત્રીના નવ દિવસો દરમિયાન માતાજીના અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આજે શારદીય નવરાત્રીનો બીજો દિવસ છે.. નવરાત્રીના બીજા નોરતે માતા દુર્ગાના બીજા સ્વરૂપની એવા માતા બ્રહ્મચારીણીની આરાધના કરવામાં આવે છે. માતાજી શ્વેત વસ્ત્રો ધારણ કરનારા દેવી છે... બ્રહ્મચારિણી માતા ભક્તોને મનોવાંચ્છિત ફળ આપનારા છે. માતાજીના નામનો અર્થ સમજીએ તો બ્રહ્મનો અર્થ થાય છે તપ અને ચારિણીનો અર્થ થાય છે આચરણ કરનારી. બ્રહ્મચારિણી એટલે જેમણે તપનું આચરણ કર્યું છે. માતાજીના સ્વરૂપની વાત કરીએ તો માતાજી એક હાથમાં કમંડળ ધારણ કરે છે અને બીજા હાથમાં માળા ધારણ કરે છે.
કેવું છે માતા બ્રહ્મચારિણીનું રૂપ?
માતાજીના દરેક સ્વરૂપ અલગ અલગ સંદેશો આપે છે. શંકર ભગવાનને પતિ તરીકે પામવા માટે માતાજીએ તપ કર્યું હતું. નારદજીએ માતાજીને તપ કરવાનું કહ્યું અને આ જાણ્યા બાદ માતા પાર્વતીએ ભગવાન શંકરને પતિ તરીકે પામવા માટે હજારો વર્ષ સુધી તપ કર્યું. શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે માતાજીએ હજારો વર્ષ સુધી તપ કર્યું. અનેક વર્ષો સુધી માતાજીએ ફળ ખાઈને તપસ્યા કરીતે બાદ અનેક વર્ષો સુધી માત્ર સુકાયેલા બીલિપત્ર ખાધા. માતાજીએ તપ કર્યું તેને કારણે તેમને બ્રહ્મચારિણી તરીકે ઓળખવામાં આવે છે.
કયા મંત્રથી કરવી જોઈએ માતાજીની આરાધના?
दधाना करपद्माभ्यामक्षमाला कमण्डलू|
देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा||
સામાન્ય રીતે માતાજીના બીજ મંત્રીથી પણ માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થતા હોય છે પરંતુ જો માતાજીના વિશેષ મંત્રથી તેમની આરાધના કરવામાં આવે તો દેવીની કૃપા જલ્દી પ્રાપ્ત થાય છે. માતા બ્રહ્મચારિણીના મંત્રની વાત કરીએ તો આ ઉપર જણાવેલા મંત્રથી માતાજીની આરાધના કરવી જોઈએ. અથવા તો તેમના બીજ મંત્રની ઉપાસના કરવી જોઈએ. માતા બ્રહ્મચારિણી જ્ઞાન અને તપની દેવી છે. જે ભક્ત માના આ સ્વરૂપની આરાધના કરે છે તેને દરેક ક્ષેત્રમાં વિજય તથા સિદ્ધિની પ્રાપ્તિ થાય છે.
કયું નૈવેદ્ય કરવું જોઈએ માતાજીને અર્પણ?
નવરાત્રીના નવ દિવસો દરમિયાન માતાજી સમક્ષ અલગ અલગ ભોગ ધરાવવામાં આવે છે. દિવસ પ્રમાણે નૈવેદ્ય અર્પણ કરવાથી માતાજીની કૃપા જલ્દી પ્રાપ્ત થાય છે. બીજા દિવસે નૈવેદ્ય તરીકે સાકર અર્પણ કરવામાં આવે છે. સાકર અર્પણ કરવાથી લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે.