આપણી સામે અનેક વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં પોલીસ વાળા દાદાગીરી કરતા દેખાતા હોય છે. સામાન્ય નાગરિકો પર રોફ બતાવતા દેખાય છે. અનેક એવા વાહનો પણ આપણે જોતા હોઈએ છીએ જેમાં પોલીસની પ્લેટ દેખાતી હોય છે. ત્યારે હવે પોલીસોને પણ અનેક નિયમોનું પાલન કરવું પડશે. અનેક વખત પોલીસને ખુદને નિયમો તોડતા જોયા છે. ત્યારે આપણા મનમાં સવાલ થતો હોય છે કે શા માટે સામાન્ય નાગરિકોએ જ નિયમોનું પાલન કરવું પડે છે, જો કોઈ નિયમનો ભંગ થાય છે તો શા માટે માત્ર સામાન્ય માણસને દંડ ભરવો પડે છે, વગેરે વગેરે....પરંતુ હવેથી પોલીસકર્મીઓએ પણ દરેક નિયમોનું પાલન કરવું પડશે. પોલીસ વડા વિકાસ સહાય એક્ટિવ મોડમાં આવ્યા છે અને પોલીસકર્મીઓ માટે અનેક નિયમો બનાવ્યા છે.
પોલીસ વિરૂદ્ધ પોલીસ કરશે કાર્યવાહી!
રાજ્યના પોલીસવડા વિકાસ સહાયે એક પરિપત્ર બહાર પાડ્યો છે જેમાં કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે, પહેલા ટ્રાફિકના નિયમો મામલે પોલીસ સુધરી જાય. પછી લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવે. પોલીસ કર્મચારીઓને કોઈ કાયદો લાગુ પડતો નથી તેવું વિચારીને તે ટ્રાફિકના તમામ નિયમોનો ભંગ કરી રહ્યા છે. જેના કારણે હવે પોલીસ ખુદ પોલીસ વિરુદ્ધ કાર્યવાહી કરે તેવી સ્થિતિ સર્જાઈ છે. પોલીસ કર્મચારીઓની કારમાં બ્લેક ફિલ્મ હશે તો ઉચ્ચ અધિકારી કાર્યવાહી કરશે, આ સિવાય પોલીસ કર્મચારીઓને ફરજિયાત હેલ્મેટ તેમજ સીટ બેલ્ટ બાંધવા પડશે તેવા આદેશ આપવામાં આવ્યા છે.
પોલીસવાળાને નિયમોનું કરવું પડશે પાલન
પરિપત્રમાં એ પણ ઉલ્લેખ કર્યો છે કે, તમામ શહેર, જિલ્લા તેમજ વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કેટલાક પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. જ્યારે કોઈ પોલીસનો કર્મચારી યુનિફોર્મ પહેરીને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે તો તેની વિપરીત અસર લોકો ઉપર પડતી હોય છે, જેના કારણે પોલીસની છબિ ખરાબ થતી હોય છે. પોલીસના ટ્રાફિકના નિયમો માટેના આ વલણને કારણે વાહનચાલકો પણ બેફામ બન્યા છે
સોશિયલ મીડિયા પર પોલીસ નહીં પોસ્ટ કરી શકે યુનિફોર્મમાં બનાવેલી રિલ
પરિપત્રમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં પોલીસ લખેલી અથવા તો પી લખેલી પ્લેટ વાહનો પર નહીં રાખી શકાય. મહત્વનું છે કે અનેક વખત એવું જોવામાં આવ્યું છે કે પરિવારનો એક જ સભ્ય પોલીસમાં હોય છે પરંતુ ઘરના દરેક વાહનો પર પોલીસ લખેલું જોવા મળતું હોય છે. અનેક વખત એવું બને છે કે પોતાના કામ કઢાવવા માટે પોલીસ ગાડી ઉપર લખવામાં આવતું હોય છે. ત્યારે હવે પોલીસવડાના આદેશ બાદ પોલીસ પોતાના વાહન પર પોલીસ નહીં લખાવી શકે. તે ઉપરાંત પોલીસ યુનિફોર્મમાં રિલ્સ નહીં બનાવી શકે.