લોકકલાકાર દેવાયત ખવડ મારપીટના ગુનામાં છેલ્લા ઘણા દિવસોથી જેલમાં બંધ છે. દેવાયત ખવડે ત્રણ દિવસ પહેલા સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જે જામીન અરજીને કોર્ટ દ્વારા પેન્ડિંગ રાખવામાં આવી છે. જેથી દેવાયત ખવડને જામીન મળવામાં વાર લાગી શકે છે. જો દેવાયત ખવડને રાજકોટ કોર્ટ દ્વારા જામીન નહીં અપાય તો તેઓ હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે.
દેવાયત ખવડ સામે છે ગંભીર આરોપ
રાજકોટમાં દેવાયત ખવડ અને સાથીઓ દ્વારા મયૂરસિંહ રાણા પર હુમલો કરાયો હતો. જે બાદ એ ડિવિઝન પોલીસે કાવતરાની કલમ ઉમેરવા કોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં કાવતરું રચીને દેવાયત ખવડ અને તેના સાથીઓએ મયુરસિંહ પર હુમલો કર્યાનો ઉલ્લેખ કરાયો હતો. આ કેસની તપાસ દરમિયાન પોલીસને મયુરસિંહની ઓફિસ પાસે રેકી કર્યાના CCTV ફૂટેજ મળી આવ્યા હતા. વળી દેવાયત ખાવડ ઘણા દિવસ સુધી ફરાર રહ્યા હતા. બાદમાં દેવાયત ખવડે 10 દિવસ બાદ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. જે બાદ દેવાયત ખવડના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.19મી ડિસેમ્બરે ખવડ સહિત ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માંગણી નહીં કરતાં ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરાયા હતા.
દેવાયત ખવડનો ગુનો શું છે?
દેવાયત ખવડ અને તેના સાથીદારોએ થોડા દિવસ અગાઉ રાજકોટમાં મયૂરસિંહ રાણા નામની એક વ્યક્તિ પર જાહેરમાં હુમલો કર્યો હતો. હુમલામાં યુવકને હાથ અને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકે દેવાયત ખવડ પર ગંભીર આરોપ લગાવ્યો હતો. સર્વેશ્વર એપાર્ટમેન્ટ નજીક યુવક પર હુમલો કરાયો હતો. આ અંગેની જાણ પોલીસને થતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.