મારામારીના કેસમાં લાંબા સમયથી જેલની હવા ખાઈ રહેલા જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડે જામીન માટે ફરી અરજી કરી છે. આજે દેવાયત ખવડની સાથે તેના સાગરિત હરેશ રબારીએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી છે. ધ્રાંગધ્રાના કોંઢ ગામના ક્ષત્રિય યુવાન પર લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેના સાગરિતે લાકડી વડે હુમલો કરી જીવલેણ ઈજા પહોંચાડી હતી.
હુમલા બાદ ફરાર
રાજકોટમાં મયુરસિંહ રાણા પર હુમલો કર્યા બાદ દેવાયત ખવડ ફરાર થઈ ગયો હતો. જો કે 8 દિવસ બાદ તે પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો. દેવાયત ખવડ હુમલા બાદ એક સપ્તાહ સુધી ફરાર થઈ ગયો હતો, જો કે ત્યાર બાદ પોલીસ સમક્ષ હાજર થયો હતો. જે બાદ તેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 3 દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા. રીમાન્ડ પૂર્ણ થયા બાદ દેવાયત ખવડને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. દેવાયત ખવડ સામે 3 ગુનાઓ દાખલ છે. જેમાંના એક ગંભીર ગુનાની નોંધ છે. 2015માં ચોટીલામાં મારામારીના ગુના હેઠળ દેવાયત ખવડ વિરૂદ્ધ ફરિયાદ થઈ હતી તો 2017માં સુરેન્દ્રનગરમાં આર્મ્સ એક્ટ હેઠળ દેવાયત ખવડ વિરૂદ્ધ ગુનાઓ નોંધાયેલા છે.