થોડા સમયથી પ્રસાદને લઈ વિવાદ છેડાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. પહેલા અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદને લઈ વિવાદ ચાલ્યો હતો ત્યારે પાવાગઢ મંદિરમાં છોલેલા શ્રીફળ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. મંદિર પરિસરમાં સફાઈ જળવાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે તેવું ટ્રસ્ટનું કહેવું છે. મંદિરમાં શ્રીફળ વધેરવાની ના પાડતા ભક્તો રસ્તા પર શ્રીફળ વધેરી રહ્યા છે. ત્યારે મંદિરમાં શ્રીફળ વધેરવાની મનાઈ હોવાને કારણે ભક્તો રસ્તા પર શ્રીફળ વધેરી રહ્યા છે.
માર્ગ પર જ ભક્તો વધેરી રહ્યા છે શ્રીફળ!
આજથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે. વહેલી સવારથી નવરાત્રી હોવાને કારણે માતાજીના મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું છે.શક્તિપીઠ ખાતે ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે. ત્યારે પાવાગઢમાં પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. ત્યારે 20 માર્ચથી પાવાગઢ મંદિરમાં છોલેલા શ્રીફળ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. મંદિરમાં સફાઈ જળવાઈ રહે તે માટે ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે તેવું ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું. પરંતુ એવા અનેક દ્રશ્યો સામે આવ્યા જેમાં ભક્તો જ્યાં જગ્યા મળે ત્યાં શ્રીફળ વધેરી રહ્યા છે. ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે ભક્તો માર્ગ પર શ્રીફળ વધેરતા નજરે પડ્યા હતા.
શ્રીફળ વધેરવાના મશીનનો કોઈ નથી કરી રહ્યો ઉપયોગ!
શ્રીફળ વધેરવાના મશીન મૂકવામાં આવ્યા છે પરંતુ તે શોભાના ગાંઠીયા સમાન બની ગયા છે. મશીન સૂમસામ જોવા મળ્યા હતા. અનેક ભક્તોએ માર્ગ પર જ શ્રીફળ વધેરી દીધા હતા. મંદિરમાં મનાઈ હોવાને કારણે મંદિર જવાના માર્ગો પર જ શ્રીફળ વધેરતા દેખાયા હતા. મંદિર દ્વારા સ્વચ્છતા જળવાય તે માટે લેવાયેલા નિર્ણયને લઈ વધારે ગંદકી થતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. ભક્તોને અગવડ ન પડે તે માટે મંદિર પ્રશાસન તરફથી મશીન મૂકવામાં આવ્યા હતા. પહેલા શ્રીફળ વધેરવાનું મશીન દુધિયા તળાવ પાસે મૂકવામાં આવ્યું હતું પરંતુ હવે આ મશીન માચી ખાતે મૂકવામાં આવ્યું છે. પરંતુ ભક્તો આ મશીનનો ઉપયોગ નથી કરી રહ્યા તેવું લાગી રહ્યું છે.