રાજયના જાણીતા લોક સાહિત્યકાર દેવાયત ખવડને મારપીટ કરવી ભારે પડી રહી છે. રાજકોટની સેશન્સ કોર્ટમાં તેમણે કરેલી રેગ્યુલર જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. રાજકોટની સેશન્સ કોર્ટમાં તેમણે કરેલી રેગ્યુલર જામીન પર આજે સુનાવણી થઇ હતી, જો કે કોર્ટે તે જામીન અરજી ફગાવી દીધી છે. દેવાયત ખવડના વકીલ દ્વારા રાજકોટની સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે આ પહેલા પણ દેવાયત ખવડના વચગાળાના જામીન સેશન્સ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવ્યા હતા.
મામલો શું હતો?
લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત ત્રણ શખ્સોએ રાજકોટમાં 7 ડિસેમ્બર 2022ના રોજ બિલ્ડર મયૂરસિંહ રાણા પર પાઇપથી જીવલેણ હુમલો કર્યો હતો. મયૂરસિંહને ધોકા-પાઇપના આડેધડ ફટકા ઝીંકી દેવાયત સહિતના શખસ કારમાં નાસી ગયા હતા. હુમલામાં ઘવાયેલા યુવકને લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે આ કેસમાં 9 દિવસ ફરાર રહેલો દેવાયત ખવડ 10માં દિવસે ક્રાઈમ બ્રાન્ચમાં સામેથી હાજર થયો હતો. બાદમાં પોલીસે તેની ધરપકડ કરી હતી અને જેલ હવાલે કર્યો હતો. બાદમાં એક પછી એક તેમની જામીન અરજી કોર્ટમાં નામંજૂર થતા છેલ્લા બે મહિનાથી જેલમાં છે. ચાર્જશીટ બાદ મુકેલી રેગ્યુલર જામીન અરજી પણ આજે કોર્ટે ફગાવી દીધી છે. આ પહેલા વચગાળાની જામીન અરજી કરી હતી અને તે પણ કોર્ટે ફગાવી દીધી હતી.