પોલીસની કામગીરી પર અનેક વખત પ્રશ્ન ઉઠતા હોય છે. પોલીસની કામગીરી પર તો ઠીક પરંતુ પોલીસની બેવડી નીતિ પર ચર્ચા કરવી છે. દારૂના અડ્ડા ક્યાં ચાલે છે, દારૂ ક્યાં વેચાય છે તેની ખબર હોય છે છતાંય પોલીસ અંધ બની બધુ જોતી રહેતી હોય છે. ક્યાં શું થઈ રહ્યું છે તેની જાણ હોવા છતાંય કોઈ પગલા લેવામાં નથી આવતા પરંતુ જ્યારે TET-TATના ઉમેદવારો પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા જાય છે ત્યારે અચાનક પોલીસને પોતાની ફરજ, પોલીસને પોતાની નૈતિક્તા યાદ આવે છે, ત્વરિત કામ કરવાની જિજ્ઞાસા અચાનક જાગી જાય છે જ્યારે TET TATના ઉમેદવારો પોતાનો અવાજ ઉઠાવે છે.
TET-TATના ઉમેદવારો કરવા જઈ રહ્યા હતા રજૂઆત
છેલ્લા ઘણા સમયથી TET-TATના ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીને રદ્દ કરવામાં આવે તેવી તેમની માગ છે. સરકારને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ તેમની માગનું કોઈ નિરાકરણ નથી થયું. સરકાર જાણે તેમની વાત સાંભળવા તૈયાર જ ન હોય તેવું લાગે છે. ગઈકાલે પીએમ મોદીને પત્ર લખી આ અંગેની રજૂઆત કરવા જઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમને પોતાની ગાડીમાં બેસાડી દીધા.
પોલીસનો ડર જ ન રહે ત્યારે...
પીએમ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે કહ્યું હતું કે જો તમને કોઈ સમસ્યા થાય તો તેમને પત્ર લખી જાણ કરવી. પરંતુ ઉમેદવારો પોતાની રજૂઆત કરવા ગયા ત્યારે તેમને રોકી દેવામાં આવ્યા. એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તે કહી રહ્યા છે કે તે આંદોલન કરવા નથી જઈ રહ્યા. પરંતુ તો પણ પોલીસે તેમને તેમની વાનમાં બેસાડી દીધા. આંદોલન કરવા નિકળેલા ઉમેદવારોના મનમાં જ્યારે પોલીસનો ડર જતો રહેશે તો તે આંદોલન કરવાથી નથી ડરવાનો.