દેશના અનેક રાજ્યોમાં શાહરુખ ખાનની ફિલ્મ પઠાણને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. આ બધા વચ્ચે 25 જાન્યુઆરીના રોજ ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં પઠાણ ફિલ્મ રિલીઝ થઈ હતી. રિલીઝ થયાના બે દિવસમાં જ પઠાણ ફિલ્મે ધૂમ કમાણી કરી છે. ફિલ્મે બીજા દિવસે પણ 65 કરોડની કમાણી કરી છે. માત્ર બે દિવસમાં જ કમાણીનો આંકડો 100 કરોડની આસપાસ પહોંચી ગયો છે.
25 જાન્યુઆરીએ ફિલ્મ થઈ હતી રિલીઝ
ઘણા વર્ષો બાદ શાહરૂખ ખાન મોટા પડદે જોવા મળી રહ્યા છે. લાંબા સમય બાદ શાહરુખે પઠાણ ફિલ્મથી કમબેક કર્યું છે. પરંતુ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ મૂવીને વિવાદનો સામનો કરવો પડ્યો છે. બેશરમ રંગ ગીતને લઈ વિવાદ છેડાઈ ગયો હતો. અનેક જગ્યાઓ પર ફિલ્મના પોસ્ટરને બાળી નાખવામાં આવ્યા હતા. તે સિવાય અનેક સ્થળો પર તોડફોડ કરવામાં આવી હતી. પરંતુ વિરોધના વાદળા વચ્ચે 25 જાન્યુઆરી એટલે કે બુધવારના દિવસે ફિલ્મને રિલીઝ કરવામાં આવી હતી.
બે દિવસમાં ફિલ્મે કરી અંદાજીત 100 કરોડની કમાણી
ફિલ્મ રિલીઝ થાય તે પહેલા અનેક જગ્યાઓ પર તોડફોડ કરવામાં આવી હતી પરંતુ અનેક જગ્યાઓ પર પોલીસ બંદોબસ્ત વચ્ચે રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મે પ્રથમ દિવસે કેજીએફ-2નો રેકોર્ડ તોડી દીધો હતો. પ્રથમ દિવસે ફિલ્મે અંદાજીત 55 કરોડનો કારોબાર કરી લીધો હતો. ફિલ્મ રિલીઝ થઈ એના બીજા દિવસે 26 જાન્યુઆરી હતી. જેનો ફાયદો ફિલ્મને મળી ગયો. બીજા દિવસે પઠાણ ફિલ્મે અંદાજીત 65 કરોડની કમાણી કરી લીધી છે. માત્ર બે દિવસમાં આ ફિલ્મની કમાણી 100 કરોડની આસપાસ પહોંચી ગઈ છે.
થિયેટરો બહાર લાગ્યા હાઉસફૂલના બેનર
ફિલ્મ રિલીઝ થઈ તે દિવસે અનેક સ્થળો પર શાહરૂખ ખાનના કમબેકની ઉજવણી કરવામાં આવી હતી. અનેક સ્થળો પર કેક કાપવામાં આવી હતી. અનેક રાજ્યોના થિયેટરો બહાર ઘણા વર્ષો બાદ હાઉસફૂલના બેનરો લાગ્યા હતા. આગામી સમયમાં આ ફિલ્મ અનેક રેકોર્ડ તોડી શકે છે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.