ઉનાળાના ધોમઘખતા તાપથી ત્રસ્ત ઉત્તર ગુજરાતના લોકો પાણીની અછતથી પણ ત્રાહિમામ પોકારી ગયા છે. બનાસકાંઠામાં પાણીના મુદ્દે રાજકારણ ગરમાયું છે. દિયોદરના ભાજપના ધારાસભ્ય કેશાજી ચૌહાણને પાણી મુદ્દે લોકોના મ્હેણાં ટોણાં સાંભળવા પડી રહ્યા છે. કેમ કે ધારાસભ્ય કેશાજી ચૌહાણે એક મહિના પહેલા દિયોદર પંથકમાં પાણીની સમસ્યાનો હલ લાવવા તમામ તાકાત લગાડવાની જાહેરાત કરી હતી. પાણીની સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી પાઘડી ન પહેરવાની તેમજ કોઈ પણ જાહેર કાર્યક્રમમાં હાજરી ન આપવાની જાહેરાત કરી હતી. જો કે હજુ સુધી પાણીની સમસ્યા યથાવત રહેવા પામી છે. અને લોકો તેમને, તેમના વચન યાદ કરાવે છે. ત્યારે લોકોમાં સવાલ એ પણ ઉઠવા પામી રહ્યો છે કે સરકાર દિયોદર પંથકમાં પાણી ક્યારે લાવશે અને આ પાણીદાર નેતાના માથે પાઘડી ક્યારે બંધાશે?
લોકોના આકરા વ્હેણ સાંભળવા પડે છે
દિયોદર પંથકમાં પાણીની સમસ્યાનો કોઈ યોગ્ય ઉકેલ આવેલ નથી આમ કેશાજીનું આ મોટું નિવેદન હવામાં જ ઓગળી ગયું છે. જોકે વારંવાર દિયોદર પંથકના ખેડૂતો અને આગેવાનો કેશાજીને પોતાના વચનની યાદ આડકતરી રીતે દેવડાવતા જોવા મળે છે. હવે ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યને ઘેરીને લોકો જવાબ માંગી રહ્યા છે, ત્યારે તેમના સવાલના જવાબ આપવામાં પણ ફાંફા પડી રહ્યા છે.