પ્રભાસ તેમજ ક્રિતી સેનનની ફિલ્મ આદિપૂરૂષ ગઈકાલે રિલીઝ થઈ ગઈ છે. પરંતુ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી વાતો થવા લાગી છે. આ ફિલ્મનો મામલો હાઈકોર્ટ સુધી પહોંચી ગયો છે. હિંદુ સેના નામની સંગઠને કોર્ટમાં કેસ દાખલ કર્યો છે અને ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી છે. ફિલ્મના રિલીઝ પહેલા જ અનેક સીનને લઈ વિવાદ છેડાઈ હતો ત્યારે હવે ડાયલોગને લઈ વિવાદ શરૂ થઈ ગયો છે. સોશિયલ મીડિયા પર આદિપૂરૂષના કેરેક્ટર તેમજ ડાયલોગને લોકો ટ્રોલ કરી રહ્યા છે.
રાવણ પાત્રની લોકો કરી રહ્યા છે ટીકા!
આદિપૂરુષ ફિલ્મ મહાગ્રંથ રામાયણ પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મમાં ભગવાન રામ, સીતાજી, હનુમાનજી તેમજ રાવણ સહિતના કિરદારો દર્શાવવામાં આવ્યા છે. ભગવાન રામ માટે હિંદુ લોકોમાં અલગ જ માન રહેલું હોય છે. ત્યારે દર્શકોનું કહેવું છે કે ફિલ્મમાં જે રીતે પાત્રોને દર્શાવવામાં આવ્યા છે તે હિંદુ સંસ્કૃતિથી વિપરીત છે. રાવણના પાત્રની લોકો ખુબ ટીકા કરી રહ્યા છે. સૈફ અલી ખાન ખૂબ ટ્રોલ થઈ રહ્યા છે. જે પ્રમાણે રાવણનું ચિત્રણ ફિલ્મમાં કરાયું છે તેનાથી લોકોની લાગણી દુભાઈ છે.
હનુમાનજીના ડાયલોગને લઈ છેડાયો વિવાદ!
ફિલ્મનું ટ્રેલર સામે આવતા વિએફએસને લઈ વિવાદ છેડાયો હતો. તે બાદ ભગવાન રામ ભગવાનના કિરદારને લઈ વિવાદ છેડાયો અને તે પછી સીતાજીનું પાત્ર નિભાવનાર અભિનેત્રી ક્રિતી સેનન ચર્ચામાં આવી હતી. ફિલ્મ રિલીઝ થયા બાદ રાવણ તેમજ હનુમાનજી વિવાદમાં તેમજ ચર્ચામાં આવ્યા છે. રાવણ બ્રાહ્મણ હતા અને ખુબ વિદ્વાન હતા પરંતુ આ ફિલ્મમાં રાવણને વિલન બતાવવામાં આવ્યા છે તેવું દર્શકોનું કહેવું છે. રાવણના એવા અનેક સીન છે જે લોકોના ગળે નથી ઉતરી રહ્યા.
ફિલ્મને લઈ સોશિયલ મીડિયા પર શરૂ થયા મિમ્સ!
સોશિયલ મીડિયા પર આદિપૂરૂષ ટ્રેન્ડ થઈ રહી છે સાથે સાથે ઉટપતાંગ ડાયલોગ તેમજ વીએફએસને લઈ તેની પર ઘણા મિમ્સ બની રહ્યા છે. રાવણ એટલે કે સૈફ અજગરની વચ્ચે જોવા મળ્યો, અને અજગર તેની ઉપર સરકતા જોવા મળી રહ્યો છે. સૈફ પાઈથોન મસાજ કરી રહયા છે તેવું લોકોનું કહેવું છે. આ વીડિયો શેર કરતાં એક યુઝરે ટ્વિટર પર લખ્યું, 'ચલો યે વાલા મસાજ ભી દેખ લો, અજગર મસાજ ઓમ રાઉત દ્વારા પ્રાયોજિત'. બીજાએ લખ્યું, 'મારે મારા પૈસા પાછા જોઈએ છે'. તો ત્રીજાએ લખ્યું, 'ડિઝાસ્ટર મૂવી' ફેન્સ આ મૂવી પર જબરજસ્ત મિમ બનાવી સોશિયલ મીડિયા પર શેર કરી રહયા છે. તે સિવાય આ રાવણની તુલના રામાનંદ સાગરના રાવણ સાથે લોકો કરી રહ્યા છે.
બોક્સ ઓફિસ પર ફિલ્મે કરી બમ્બર કમાણી!
મહત્વનું છે કે ફિલ્મની ગમે તેટલી ટીકાઓ થઈ હતી , જેટલી પણ ટ્રોલ થતી હોય, બોયકોટ આદિપૂરુષ ટ્રેન્ડ થતું હોય પરંતુ ફિલ્મે પહેલા દિવસે બમ્પર કમાણી કરી છે. પહેલા દિવસે ફિલ્મે કરેલા કલેક્શને પઠાણ ફિલ્મનો રેકોર્ડ પણ તોડી દીધો છે. 100 કરોડ જેટલી કમાણી કરી દીધી છે. હજી તો વિકએન્ડ બાકી છે. ત્યારે ફિલ્મ અનેક રેકોર્ડ તોડી શકે છે તેવું હાલ લાગી રહ્યું છે. પરંતુ ફિલ્મના રિવ્યુને સાંભળી ફિલ્મની કમાણી પર અસર પડે છે કે નહીં તે આગામી દિવસોમાં ખબર પડી જશે.