ગુજરાતમાં થર્ટી ફર્સ્ટ અગાઉ દારૂની ડિમાન્ડ વધી જાય છે, દારૂની આ માગ પૂરી કરવા બુટલેગરો વિવિધ રસ્તા અપનાવતા રહે છે. ગુજરાતમાં મુખ્યત્વે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને પડોશી સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી સાથે મહારાષ્ટ્રથી મોટા પ્રમાણમાં દારૂ ઘુસાડવામાં આવે છે. જો કે પોલીસ પણ સતર્ક રહીને બુટલેગરોની તમામ તરકીબોને ખોટી પાડીને દારૂનો જથ્થો પકડતી રહે છે. વલસાડ જિલ્લાની પારડી પોલીસે ગુજરાત ગેસ લિમિટેડ અને CNG ટ્રાન્સફર લખેલા ટેમ્પોમાંથી રૂ 9.54 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
રૂ.14.59 લાખનો મુદ્દામાલ જપ્ત
વલસાડ જિલ્લાની પારડી પોલીસે પોલીસે ગુજરાત ગેસ લિમિટેડ અને CNG ટ્રાન્સફર લખેલા ટેમ્પોને રોકી સઘન તપાસ કરતા ટેમ્પામાં ગુજરાત ગેસ કંપનીમાં વપરાશમાં આવતું ગેસનું LCV મશીન નહીં પરંતુ એક તૈયાર કરેલા કેબિનમાં સંતાડી લઈ જવાતો રૂ 9.54 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પારડી પોલીસે ટેમ્પોચાલકની ધરપકડ કરી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ સાથે 14.59 લાખનો મુદ્દામાલ કબજે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
દારૂનો જથ્થો દમણથી બરોડા લઈ જવાતો હતો
પારડી પોલીસે આ મામલે ટેમ્પાના ચાલક વિક્રમસિંહ ઠાકુરની ધરપકડ કરી છે. સાથે 2 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. ચાલક વિક્રમસિંહ માનસિંહ ઠાકુર મૂળ યુપીનો રહેવાસી છે. આ દારૂ ભરેલો ટેમ્પો આપનાર એલિસ મારવાડી અને લલ્લા નામના શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ દારૂનો જથ્થો દમણથી બરોડા લઈ જવાતો હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. થર્ટી ફર્સ્ટ અગાઉ પારડી પોલીસે ખેપિયાની દારૂ હેરાફેરી કરવાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે.