વિશ્વની અગ્રણી ટેક કંપનીઓમાં છટણીની પ્રક્રિયા સતત ચાલુ જ છે. હવે ડેલ ટેક્નોલોજીએ તેના 6000થી વધુ કર્મચારીઓને છૂટા કરવાની જાહેરાત કરી છે. મીડિયા અહેવાલો અનુસાર, ડેલ તેના વૈશ્વિક કર્મચારીઓના 5 ટકા ઘટાડવાની યોજના બનાવી રહી છે. જો આમ થશે તો કોમ્પ્યુટર બનાવતી કંપનીના લગભગ 6650 કર્મચારીઓની નોકરી જશે.
કંપનીના CEOએ શેઅર કરી નોટ
કંપનીના કો-ચીફ ઓપરેટિંગ ઓફિસર જેફ ક્લાર્કે તેમના કર્મચારીઓ સાથે શેર કરેલી નોટમાં જણાવ્યું હતું કે બજાર પડકારજનક પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યું છે. કંપનીમાં છટણી બજારની સ્થિતિ પર આધારિત છે. તેમણે કહ્યું "અમે ભૂતકાળમાં પણ આર્થિક મંદીનો સામનો કર્યો છે અને વધુ મજબૂત બન્યા છીએ. કંપનીએ 2020માં પણ કોવિડ રોગચાળો આવ્યો ત્યારે આવી જ છટણીની જાહેરાત કરી હતી,"
પર્સનલ કમ્પ્યુટરના વેચાણમાં તીવ્ર ઘટાડો
બિઝનેસ વિશ્લેષક IDCએ જણાવ્યું હતું કે પ્રારંભિક ડેટા સૂચવે છે કે 2022 ના ચોથા ક્વાર્ટરમાં પર્સનલ કમ્પ્યુટર શિપમેન્ટમાં તીવ્ર ઘટાડો આવ્યો છે. IDC મુજબ, ડેલના શિપમેન્ટમાં મોટી કંપનીઓમાં 2021ની સરખામણીમાં 37 ટકાનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. ડેલ તેની લગભગ 55 ટકા આવક પર્સનલ કોમ્પ્યુટરના વેચાણમાંથી મેળવે છે. આ પહેલા ગત વર્ષે નવેમ્બરમાં HPએ પણ ત્રણ વર્ષ દરમિયાન 6 હજાર લોકોને હટાવવાની જાહેરાત કરી હતી.