દિલ્હી સરકાર બુધવાર સવારે 11 વાગ્યે વિધાનસભામાં બજેટ રજૂ કરવાની છે. મળતી માહિતી અનુસાર ગૃહવિભાગે મંગળવારે બજેટ રજૂ કરવાની મંજૂરી આપી દીધી છે. વિધાનસભા સદનમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે દેર આયે દુરુસ્ત આયે. કેન્દ્ર સરકારે પહેલા જ બજેટને જો મંજૂરી આપી દીધી હોત તો આટલો હોબાળો ન થાત.
ગૃહમંત્રાલયે બજેટ પેશ કરવાની આપી મંજૂરી!
આમ તો દિલ્હીનું બજેટ સોમવારે રજૂ થવાનું હતું. પરંતુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આરોપ લગાવતા કહ્યું હતું કે કેન્દ્ર સરકારે દિલ્હીના બજેટ પર રોક લગાવી દીધી છે. મળતી માહિતી અનુસાર ગૃહમંત્રાલયે દિલ્હી સરકાર પાસેથી વિજ્ઞાપનને લઈ અનેક ખુલાસા માગ્યા હતા. દિલ્હી સરકારે આનો જવાબ આપવાનું ટાળ્યું હતું. જેને કારણે બજેટને પેશ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી.
અરવિંદ કેજરીવાલે કેન્દ્ર પર સાધ્યું નિશાન
બજેટની મંજૂરી ન મળતા અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો હતો જેમાં બજેટ પેશ કરવાની મંજૂરી આપવાની વાત કરી હતી. તે ઉપરાંત વિધાનસભામાં પણ અરવિંદ કેજરીવાલે ચર્ચા કરી હતી જેમાં કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. કેજરીવાલે નિશાન સાધતા કહ્યું હતું કે બજેટ પર કેન્દ્રની આપત્તિ અસંવૈધાનિક છે અને નિરાધાર છે. દેશના 75 વર્ષોના ઈતિહાસમાં કોઈ પણ સરકારના બજેટને રોકવામાં આવ્યું નથી.