દિલ્હીના કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં CBI બાદ હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પણ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યું છે. EDએ CM કેજરીવાલને 2 નવેમ્બરે સવારે 11 વાગ્યે પૂછપરછ માટે બોલાવ્યા છે. ખાસ વાત એ છે કે હાલમાં આમ આદમી પાર્ટીના ત્રણ મોટા નેતા દારૂ કૌભાંડ કેસમાં જેલમાં છે. હાલમાં જ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહની પૂછપરછ બાદ ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
કેજરીવાલની ધરપકડ થઈ શકે
આ પહેલીવાર છે જ્યારે EDએ આ કેસમાં કેજરીવાલને સમન્સ જારી કર્યું છે. અગાઉ દારૂ કૌભાંડની તપાસ કરી રહેલી સીબીઆઈએ એપ્રિલમાં તેમની પૂછપરછ કરી હતી. CBIએ કેજરીવાલની 9 કલાક સુધી પૂછપરછ કરી હતી.આમ આદમી પાર્ટીએ આશંકા વ્યક્ત કરી છે કે મુખ્યમંત્રી કેજરીવાલની ધરપકડ થઈ શકે છે. દિલ્હી સરકારના મંત્રી આતિશીએ દાવો કર્યો હતો કે એવા રિપોર્ટ્સ છે કે કેજરીવાલની 2 નવેમ્બરે ધરપકડ કરવામાં આવશે. મનીષ સિસોદિયા, સંજય સિંહ અને સત્યેન્દ્ર જૈનની ધરપકડનો ઉલ્લેખ કરતાં આતિશીએ કહ્યું કે ભાજપનો ઉદ્દેશ્ય આમ આદમી પાર્ટીને ખતમ કરવાનો છે.
કેજરીવાલને EDએ શા માટે બોલાવ્યા?
- EDએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ સીએમ કેજરીવાલને સમન્સ જારી કર્યું છે.
- EDની ચાર્જશીટમાં સીએમ કેજરીવાલના નામનો અનેક વખત ઉલ્લેખ છે. આરોપ છે કે જ્યારે એક્સાઇઝ પોલિસી 2021-22 તૈયાર કરવામાં આવી રહી હતી ત્યારે ઘણા આરોપીઓ કેજરીવાલના સંપર્કમાં હતા.
- EDએ ચાર્જશીટમાં દાવો કર્યો છે કે એજન્સી દ્વારા ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના નેતા કે. કવિતાના એકાઉન્ટન્ટ બુચીબાબુનું નિવેદન નોંધવામાં આવ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે કે. કવિતા, કેજરીવાલ અને મનીષ સિસોદિયા વચ્ચે રાજકીય સમજણ હતી. આ દરમિયાન કવિતા માર્ચ 2021માં વિજય નાયરને પણ મળી હતી.