ઈડી સમક્ષ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે પૂછપરછ માટે હાજર થવાના છે. કથિત દારૂ કૌભાંડ મામલે મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રીને સમન્સ પાઠવ્યા હતા. 2 નવેમ્બર એટલે કે આજે સવારે 11 વાગ્યે ઈડીએ તેમને પૂછપરછ માટે બોલાવ્યા છે. આ કેસમાં મહત્વની વાત એ છે કે દારૂ કૌભાંડ મામલે આમ આદમી પાર્ટીના ત્રણ મોટા નેતાઓ જેલવાસ ભોગવી રહ્યા છે. થોડા સમય પહેલા જ આપના રાજ્યસભા સાંસદ સંજય સિંહની લાંબી પૂછપરછ બાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી.
મનીષ સિસોદિયાની જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી હતી
આમ આદમી પાર્ટીના નેતાઓની મુશ્કેલી ઘટવાનું નામ નથી લઈ રહી. એક બાદ એક નેતાઓને સમન્સ પાઠવવામાં આવી રહ્યા છે. આપના અનેક મોટા નેતાઓ હાલ જેલવાસ ભોગવી રહ્યા છે. થોડા સમય પહેલા દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જામીન માટે અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી પરંતુ તેમની અરજીને ફગાવી દેવાઈ હતી. પરંતુ કોર્ટે તપાસ એજન્સીને આ મામલે જલ્દી કાર્યવાહી કરવા માટે અલ્ટિમેટમ આપી દીધું છે. તો બીજી તરફ સંજય સિંહની ધરપકડ કરી લેવામાં આવી છે.
કેજરીવાલ આજે ઈડી સમક્ષ થવાના છે હાજર
ત્યારે આજે ઈડી સમક્ષ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પૂછપરછ માટે હાજર થવાના છે. ત્યારે તેમની ધરપકડ થઈ શકે છે તેવી આશંકા આમ આદમી પાર્ટીને છે. થોડા દિવસો પહેલા આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં આપ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેમને માહિતી મળી છે કે પૂછપરછ માટે અરવિંદ કેજરીવાલ જશે તો ત્યારે તેમની ધરપકડ કરી લેવામાં આવશે. ઉપરાંત એવું પણ કહ્યું હતું કે આમ આદમી પાર્ટીને ભાજપ તેમજ પીએમ મોદી ખતમ કરવા માગે છે.
રાઘવ ચઢ્ઢાએ કહી આ વાત!
અરવિંદ કેજરીવાલ આજે ઈડી સમક્ષ હાજર થવાને છે તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ ટ્વિટ કરી છે જેમાંસાંસદ રાઘવ ચઢ્ઢા જણાવી રહ્યા છે કે 2014થી 2022ની વચ્ચે કેટલા મોટા નેતાઓ વિરૂદ્ધ કેસ કરવામાં આવ્યો અને તેમાંથી વિપક્ષના કેટલા છે. વિપક્ષના મોટા નેતાઓના નામનો તેમણે ઉલ્લેખ કર્યો છે. તે ઉપરાંત બીજા અનેક મુદ્દાઓને લઈ તેમણે સરકાર પર નિશાન સાધ્યું છે. હવે જોવું રહ્યું કે ઈડી સમક્ષ જ્યારે પૂછપરછ માટે અરવિંદ કેજરીવાલ હાજર થાય છે તે બાદ શું થાય છે?