દિલ્હી લિકર પોલીસી કેસમાં આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ દિન પ્રતિ દિન વધી રહી છે. આજે શનિવારે, સિસોદિયાની ન્યાયિક કસ્ટડી સમાપ્ત થયા પછી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ સિસોદિયાને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં કોર્ટે તેની કસ્ટડી 8 મે સુધી લંબાવી દીધી છે.
મનીષ સિસોદિયાને મોટો ઝટકો
મનીષ સિસોદિયાને એક્સાઈઝ પોલિસીના મામલે રાઉઝ એવન્યુ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. દિલ્હી કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં શુક્રવારે (28 એપ્રિલ) તેને જામીન આપવાનો ઈનકાર કર્યો હતો. રાઉઝ એવન્યુ કોર્ટના સ્પેશિયલ જજ એમકે નાગપાલે મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી છે.
દિલ્હી હાઈકોર્ટમાં કરશે અરજી
મનીષ સિસોદિયા હવે નીચલી કોર્ટના આ નિર્ણય સામે દિલ્હી હાઈકોર્ટમાં જશે. કોર્ટમાં સુનાવણી દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ જામીન અરજીનો વિરોધ કર્યો હતો. EDએ કહ્યું હતું કે તપાસ "નિર્ણાયક" તબક્કામાં છે અને AAPના વરિષ્ઠ નેતાએ નીતિને જાહેર મંજૂરી છે તે બતાવવા માટે ખોટા ઈમેલ બનાવ્યા હતા.
ગુનાના માસ્ટર માઈન્ડ- દિલ્હી કોર્ટ
દિલ્હી કોર્ટે કહ્યું હતું કે સિસોદિયા આ કેસમાં પ્રથમ નજરે ગુનાહિત કાવતરાના માસ્ટરમાઈન્ડ છે અને તેમણે દિલ્હી સરકારમાં તેમના અને તેમના સહયોગીઓ માટે લગભગ 90-100 કરોડ રૂપિયાની એડવાન્સ લાંચની કથિત ચુકવણી સંબંધિત ગુનાહિત કાવતરામાં "સૌથી મહત્વપૂર્ણ અને અગ્રણી ભૂમિકા" ભજવી હતી. કોર્ટે કહ્યું હતું કે આ સમયે સિસોદિયાની મુક્તિ તપાસને અસર કરી શકે છે અને તેની પ્રગતિ "ગંભીર રીતે અવરોધિત" થઈ શકે છે. સીબીઆઈએ 26 ફેબ્રુઆરીએ દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં સિસોદિયાની ધરપકડ કરી હતી.