દિલ્હી હાઈકોર્ટે બ્રિટિશિ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (BBC)ને એક ગેર સરકારી સંગઠન (NGO) દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિ કેસ મામલે નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે BBCની આ ડોક્યુમેન્ટરીમાં ભારત, ભારતના ન્યાયતંત્ર અને PM મોદીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું છે. ન્યાયમૂર્તિ સચિન દત્તાએ BBC (બ્રિટન) ઉપરાંત BBC (ભારત)ને પણ નોટિસ ફટકારી છે. હાઈકોર્ટે ગુજરાતના ગેર સરકારી સંગઠન જસ્ટિસ ફોર ટ્રાયલ દ્વારા દાખલ કરવામાં આવેલા કેસ અંગે તમામને જવાબ આપવા માટે કહ્યું છે. NGO વતી સિનિયર વકીલ હરીશ સાલ્વે હાજર રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આ ડોક્યુમેન્ટ્રીએ ભારત અને ન્યાયતંત્ર સહિત સમગ્ર વ્યવસ્થાને બદનામ કરી છે.
રૂ.10,000 કરોડનો માનહાનિનો કેસ
દિલ્હી હાઈકોર્ટે સોમવારે બ્રિટિશ મીડિયા સંસ્થા બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (BBC)ને સમન્સ જારી કર્યા છે. BBC સામે 10,000 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસ બદનક્ષી સાથે સંબંધિત છે. કેસમાં દાવો કરવામાં આવ્યો છે કે, BBCએ તાજેતરમાં ગુજરાત રમખાણો પર બે ભાગની ડોક્યુમેન્ટ્રી રજૂ કરી હતી. તેનાથી ભારત અને તેના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબી ખરાબ થશે. આ સમગ્ર મામલાની પ્રતિક્રિયા આપતા સાલ્વેએ કહ્યું છે કે, જો બ્રિટિશ સરકાર સાથે પણ આવું જ કંઈક કરવામાં આવે તો તેમની પ્રતિક્રિયા શું હશે? આ ડોક્યુમેન્ટરી ભારત, તેના વડાપ્રધાન, ન્યાયતંત્ર અને સમગ્ર સિસ્ટમ પર સંપૂર્ણ રીતે કલંક છે. તેમણે BBCને ચેતવણી આપી હતી કે, તે આ મામલે માફી માંગે તો સારું રહેશે.
આગામી સુનાવણી સપ્ટેમ્બરમાં થશે
NGO વતી હાઈકોર્ટમાં હાજર રહેલા સિનિયર વકીલ હરીશ સાલ્વેએ દલીલ કરી હતી. તેમણે કહ્યું કે ડોક્યુમેન્ટ્રી દ્વારા વડાપ્રધાન પર પણ હુમલો કરવામાં આવ્યો છે. વાદી વતી દલીલ કરવામાં આવી કે આડોક્યુમેન્ટ્રી બદનક્ષીભર્યા આક્ષેપો કરે છે અને દેશની પ્રતિષ્ઠાને કલંકિત કરે છે. કોર્ટે આ મામલે આગામી સુનાવણી 15 સપ્ટેમ્બર નક્કી કરી છે.
સમગ્ર મામલો શું છે?
અત્રે ઉલ્લેખનિય છે કે, 17 જાન્યુઆરીએ, BBC (યુકે) દ્વારા 'ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન' નામની ડોક્યુમેન્ટ્રીનો પ્રથમ એપિસોડ રજૂ કરવામાં આવ્યો હતો. આ ડોક્યુમેન્ટ્રીના બે ભાગ છે. બીજો એપિસોડ આવતા અઠવાડિયે રિલીઝ થવાનો હતો, પરંતુ તે પહેલા ડોક્યુમેન્ટરીની કથાવસ્તુને લઈને હોબાળો થયો હતો. સરકારે ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ મૂક્યો હતો, ત્યારબાદ તેને યુટ્યુબ પરથી હટાવી દેવામાં આવી હતી.