થોડા દિવસો પહેલા દિલ્હીમાં એક કોચિંગ સેન્ટરમાં આગ લાગવાની ઘટના બની હતી. વિદ્યાર્થીઓએ પોતાનો જીવ બચાવવા માટે જીવને જોખમમાં મૂક્યો હતો. અનેક વિદ્યાર્થીઓએ ત્રીજા માળથી કૂદકો માર્યો હતો. ત્યારે આ મામલે હાઈકોર્ટે જાતે હસ્તક્ષેપ કર્યું છે અને આ મામલે જવાબ માંગ્યો છે. સ્થાનિક પ્રશાસન પાસેથી કોર્ટે જવાબ માગ્યો છે અને આ મામલે પોલીસ દ્વારા એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. મળતી માહિતી અનુસાર આ મામલે 3 જૂલાઈએ સુનાવણી હાથ ધરવામાં આવશે.
ત્રીજા માળે આવેલા કોચિંગ સેન્ટરમાં લાગી હતી આગ!
ઘણા વર્ષો પહેલા ગુજરાતના સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ સર્જાયો હતો. આ ઘટનામાં અનેક વિદ્યાર્થીઓના મોત થઈ ગયા હતા. ત્યારે આવી જ દુર્ઘટના રાજધાની દિલ્હીમાં થોડા દિવસો પહેલા બની હતી. મુખર્જીનગર ત્રીજા માળે આવેલા કોચિંગ ક્લાસમાં અચાનક આગ ફાટી નિકળતા વિદ્યાર્થીઓના જીવ બચાવવા દોરડાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો . અંદાજીત 70થી વધારે વિદ્યાર્થીઓ ઘાયલ થયાં છે. ત્રીજા માળેથી વિદ્યાર્થીઓ કૂદકા મારી રહ્યા હતા. જ્યારે આગ લાગી ત્યારે કોચિંગ સેન્ટરમાં 500 જેટલા વિદ્યાર્થીઓ હાજર હતા. શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોય તેવું પ્રાથમિક અનુમાન હતું ત્યારે આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
હાઈકોર્ટે આ મામલે માગ્યો જવાબ!
મળતી માહિતી અનુસાર પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી હાઈકોર્ટે જાતે જ હસ્તક્ષેપ કર્યો છે અને સ્થાનિક તંત્ર પાસેથી આ મામલે જવાબ માંગ્યો છે. શુક્રવારે હાઈકોર્ટે દિલ્હી સરકાર, સ્ટેટ ફાયર વિભાગ સર્વિસ, નગર નિગમ તેમજ સ્થાનિય પોલીસ પ્રશાસનને નોટિસ પાઠવી છે અને સ્પષ્ટીકરણ માગ્યું છે. મળતી માહિતી અનુસાર આ મામલે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે. જ્યારે આ મામલે તપાસ કરવામાં આવી ત્યારે સામે આવ્યું કે બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીની ઉચિત વ્યવસ્થા ન હતી. બિલ્ડીંગ પર લાગેલી ટાંકીમાં પાણી ન હતું. તે સિવાય સ્મોક ડિટેક્ટર પણ ન હતું. ત્યારે આ મામલે કોર્ટે જવાબ માગ્યો છે.