દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે પણ ઈડી સમક્ષ પૂછપરછ માટે હાજર નહીં થાય તેવી જાણકારી આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવી છે. આ છઠ્ઠી વાર હશે જ્યારે ઈડી દ્વારા આપવામાં આવેલા સમન્સની અવગણના અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવી છે. કથિત દારૂ કૌભાંડને લઈ ઈડી દ્વારા અનેક વખત અરવિંદ કેજરીવાલને નોટિસ ફટકારવામાં આવી હતી પરંતુ આપ દ્વારા નોટિસને ગરેકાયદેસર બતાવી દેવામાં આવતી. ત્યારે આજે પણ અરવિંદ કેજરીવાલ ઈડી સમક્ષ પૂછપરછ માટે હાજર નહીં થાય. ઈડીએ કોર્ટનો દ્વાર ખખડાવ્યો છે જેને લઈ આપે કહ્યું કે ઈડીએ કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ.
છઠ્ઠી વખત ઈડીએ અરવિંદ કેજરીવાલને પાઠવ્યું હતું સમન્સ!
ઈડીએ અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે હાજર થવા અનેક વખત સમન્સ પાઠવ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં ચાલી રહેલી તપાસમાં સામેલ થવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને છઠ્ઠી વખત સમન્સ જારી કર્યા હતા. 19 ફેબ્રુઆરીએ અરવિંદ કેજરીવાલને હાજર થવા જણાવવામાં આવ્યું હતું. આ પહેલા પણ ED દ્વારા પાંચ સમન્સ મોકલવામાં આવ્યા હતા જેની મુખ્યમંત્રીએ અવગણના કરી હતી. આ વખતે પણ ઈડી સમક્ષ કેજરીવાલ હાજર નહીં થાય. આમ આદમી પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું છે કે ઈડીએ કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ.
કોર્ટના દ્વાર ઈડીએ ખખડાવ્યા હતા!
આની પહેલા ઈડી દ્વારા પાઠવવામાં આવેલા સમન્સની વાત કરીએ તો EDએ કેજરીવાલને 2 ફેબ્રુઆરી, 17 જાન્યુઆરી, 3 જાન્યુઆરી, 21 ડિસેમ્બર અને 2 નવેમ્બરે સમન્સ મોકલ્યા હતા, પરંતુ તે વખતે દિલ્હીના મુખ્યમંત્રી હાજર થયા ન હતા. ત્યારે આજે છઠ્ઠી વખત પાઠવેલા સમન્સને લઈ ઈડી સમક્ષ અરવિંદ કેજરીવાલને હાજર થવાનું હતું. મહત્વનું છે કે ઈડી દ્વારા રાઉજ એવન્યુ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. વારંવાર અરવિંદ કેજરીવાલ સમન્સની અવગણના કરી રહ્યા છે તેને લઈ અરજી કરવામાં આવી હતી. કોર્ટમાં જ્યારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી ત્યારે અરવિંદ કેજરીવાલ વર્ચ્યુઅલી જોડાયા હતા.