દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ચિંતામાં વધારો થયો છે. એક તરફ ઈડીએ તેમને સમન્સ પાઠવ્યું છે તો બીજી તરફ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાએ સીબીઆઈના તપાસનો આદેશ આપ્યો છે, આ અંગે સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવે તેવી ભલામણ કરવામાં આવી છે. હોસ્પિટલો માટે જે દવાઓ ખરીદવામાં આવે છે તેની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
દિલ્હીના એલજીએ સીબીઆઈ તપાસ કરવાની કરી ભલામણ
દેશની રાજધાની દિલ્હીમાં વધુ એક કૌભાંડ થયો હોય તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરની ઓફિસે દાવો કર્યો છે કે દિલ્હીની સરકારી હોસ્પિટલોમાંથી નકલી દવાઓ મળી આવી છે. મળતી માહિતી અનુસાર એલજી ઓફિસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હોસ્પિટલમાં પરીક્ષણ કરાયેલા 10% સેમ્પલ ફેલ સાબિત થયા છે. દિલ્હીના એલજી વિનય કુમાર સક્સેનાએ આ સમગ્ર મામલે સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે એલજીએ વિજિલન્સ વિભાગના રિપોર્ટના આધારે આ કાર્યવાહી કરી છે.
લાખો લોકોને આપવામાં આવે છે દવા
વિજિલન્સ ડિપાર્ટમેન્ટના રિપોર્ટના આધારે સીબીઆઈ તપાસની ભલામણ કરતા દિલ્હીના એલજી વિનય કુમાર સક્સેનાએ મુખ્ય સચિવને લખેલી નોટમાં કહ્યું છે કે આ ચિંતાજનક છે. આ દવાઓ લાખો દર્દીઓને આપવામાં આવી રહી છે. દવાઓની ખરીદીમાં બજેટની જંગી ફાળવણી અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
ઈડીએ અરવિંદ કેજરીવાલને પાઠવી છે નોટિસ
મહત્વનું છે કે દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં EDએ શુક્રવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરીથી સમન્સ મોકલ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ત્રીજું સમન્સ મોકલ્યું છે, જેમાં તેમને 3 જાન્યુઆરીએ ED સમક્ષ હાજર થવા જણાવ્યું છે. અગાઉ, ઇડીએ અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડમાં પૂછપરછ માટે 18 ડિસેમ્બરે સમન્સ જારી કરીને 21 ડિસેમ્બરે હાજર થવા જણાવ્યું હતું. પરંતુ સુનાવણીમાં હાજર થવાને બદલે કેજરીવાલ પંજાબના હોશિયારપુરમાં 10 દિવસની વિપશ્યના માટે રવાના થઈ ગયા હતા.