ગુજરાત હાઈકોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ આપના સંજય સિંહને મોટો ઝટકો આપ્યો છે. ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં સમન્સ જાહેર કરવામાં આવ્યા હતા તેને રદ્દ કરવા માટે કેજરીવાલે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા પરંતુ ગુજરાત હાઈકોર્ટે તેમની અરજીને ફગાવી દીધી છે. ગુજરાત હાઈકોર્ટે રાહત આપવાનો ઈન્કાર કર્યો છે. મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રીને લઈ આપના નેતાઓએ નિવેદન આપ્યું હતું. જે મામલે ગુજરાત યુનિવર્સિટી દ્વારા માનહાનીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
મેટ્રો કોર્ટ દ્વારા નિકાળવવામાં આવ્યું હતું સમન્સ!
ગુજરાત યુનિવર્સિટી દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ આપના સંજયસિંહ વિરૂદ્ધ બદનક્ષીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. બંને નેતાઓએ પીએમ મોદીની ડિગ્રીને લઈ આપેલા નિવેદન બદલે તેમના વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. સંજયસિંહ તેમજ અરવિંદ કેજરીવાલ સામે મેટ્રો કોર્ટે સમન્સ નિકાળ્યા હતા. મેટ્રો કોર્ટ દ્વારા સમન્સ મળ્યા બાદ સેશન્સ કોર્ટના દ્વારા ખખડાવામાં આવ્યા હતા પરંતુ સેશન્સ કોર્ટે અરજીને ફગાવી દીધી હતી. સેશન્સ કોર્ટ દ્વારા અરજી ફગાવાતા ગુજરાત હાઈકોર્ટના દ્વાર બંને આપ નેતાઓએ ખખડાવ્યા હતા અને સમન્સ રદ કરવા માટે અરજી કરી હતી.
ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી અરવિંદ કેજરીવાલની અરજી!
ગુજરાત હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલ તેમજ સંજયસિંહની અરજીને ફગાવી દીધી છે. અરજી ફગાવી દેવામાં આવતા મેટ્રો કોર્ટમાં આ અંગેની સુનાવણી ચાલશે, ટ્રાયલ ચાલશે અને અરવિંદ કેજરીવાલને હાજર થવું પડશે. જો સમગ્ર કેસની વાત કરીએ તો અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. આ પ્રેસ કોન્ફરન્સ બાદ યુનિવર્સિટીના રજીસ્ટાર દ્વારા બંને નેતા વિરૂદ્ધ અરજી કરવામાં આવી હતી. મેટ્રોપોલિટન કોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા સમન્સ પડકારવામાં આવી હતી. સેશન્સ કોર્ટે રાહત આપવા માટે કરેલી અરજીને નકારી દીધી હતી. તે બાદ બન્નેએ હાઇકોર્ટનાં દ્વાર ખખડાવ્યા હતાં અને અરજી કરી સમન્સ રદ કરવા અને સ્ટે આપવા માગ કરી હતી. ગુજરાત હાઇકોર્ટે કેજરીવાલ અને સંજયસિંહની અરજી ફગાવી છે.