ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે થોડી જ વાર છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોની જાહેરાત કરવાની શરૂઆત કરી દીધી છે. કોંગ્રેસે 1 લિસ્ટ જ્યારે આમ આદમી પાર્ટીએ 11 જેટલી લિસ્ટ બહાર પાડી છે. ત્યારે ભાજપનું પ્રથમ લિસ્ટ ક્યારે જાહેર થશે તે મામલે સમાચાર આવી રહ્યા છે.
સતત બીજા દિવસે ગુજરાત મામલે બેઠક
સતત બીજા દિવસે દિલ્લીમાં ગુજરાત ભાજપના કયા ઉમેદવારોને ચૂંટણી લડાવવી તે મામલે બેઠક ચાલી રહી છે. ઉમેદવારો મામલે દિલ્લી સ્થિત અમિત શાહના નિવાસસ્થાને બેઠકો ચાલી રહી છે. આજે સતત બીજા દિવસે મંથન ચાલી રહ્યું છે જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ સ્ટેટ જનરલ સેક્રેટરી રત્નાકર અને મનસુખ માંડવિયા ઉપસ્થિત છે. ભાજપના કયા ઉમેદવારોને મોકો આપવો કે કોની ટિકિટ કાપવી તે મામલે મંથન થઈ રહ્યું છે. ગઈકાલે પણ સાત કલાક બેઠક ચાલી હતી અને આજે સતત બીજા દિવસે પણ બેઠક યોજવામાં આવી હતી.
10 નવેમ્બરે ભાજપ પોતાના ઉમેદવારો જાહેર કરી શકેઃ સૂત્ર
કોંગ્રેસે પોતાના 43 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દીધું છે. જ્યારે આમ આદમી પાર્ટીએ 150થી વધુ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દીધું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી આગામી 10 નવેમ્બરે પોતાના ઉમેદવારોની પહેલી લિસ્ટ જાહેર કરે તેવા સૂત્રોના માધ્યમથી સમાચાર આવી રહ્યા છે.