ભારત સતત પોતાની શક્તિ વધારવાને લઈ આતુર હોય છે. સમયાંતરે આધુનિક શસ્ત્રોનો સમાવેશ કરી રક્ષા ક્ષેત્રે ભારત આગળ વધવા માગે છે. ત્યારે રક્ષામંત્રાલયે સશસ્ત્રો બળોની ક્ષમતા વધારવાનો નિર્ણય કર્યો છે. શસ્ત્રોની ખરીદી માટે સંરક્ષણ મંત્રાલયે 85000 કરોડ રુપિયાથી વધુના ખરીદી પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
85000 કરોડના ખરીદ પ્રસ્તાવને મળી મંજૂરી
ગુરૂવારે રાજનાથસિંહની અધ્યક્ષતામાં રક્ષા ખરીદ પરિષદ બેઠક મળી હતી. જેમાં શસ્ત્રોને ખરીદવાની મંજૂરી આપવામાં આવી હતી. લડાકૂ ક્ષમતાને વધારવા માટે આ શસ્ત્રો ઉપયોગી સાબિત થશે. રક્ષામંત્રાલયના જણાવ્યા અનુસાર 24 પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે. આ 24 પ્રોજેક્ટમાં ઈન્ડિયન આર્મીના 6, એરફોર્સના 6, ઈન્ડિયન નેવીના 6 અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના 2 પ્રસ્તાવનો સમાવેશ થાય છે.
વધશે ભારતની તાકાત
સીમા વિવાદને લઈ અનેક વખત પાડોસી દેશો સાથે ભારતને વિવાદ થાય છે. ત્યારે હાલ ચીન અને ભારત વચ્ચે સીમા વિવાદ ચાલી રહ્યો છે. આ સંઘર્ષ વચ્ચે રક્ષામંત્રાલયે 85 હજાર કરોડના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. જેમાં લાઈટ ટેન્ક, માઉન્ટન ગન સિસ્ટમ, એફઆઈસીવી સહિતના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. મંજૂરી મળેલા પ્રસ્તાવમાં સૈનિકો માટે આધુનિક સુરક્ષા સ્તરની સાથે બેલેસ્ટિક હેલમેટ, એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ ઉપરાંત વિવિધ પ્રકારની રડારની ખરીદી કરવામાં આવશે.