તૃણમૂલ કોંગ્રેસ(TMC)ની સાંસદ મહુઆ મોઈત્રાનું લોકસભા સભ્ય પદ પર તલવાર લટકી રહી છે, આજે તેના પર નિર્ણય લેવાઈ શકે છે. સંસદની એથિક્સ કમિટીએ તેની રિપોર્ટમાં મહુઆ મોઈત્રાનું સભ્યપદ ખતમ કરવાની ભલામણ કરી છે. ભાજપે પણ તેના સાંસદોને વ્હીપ જારી કરીને આજે સંસદમાં હાજર રહેવાનું કહ્યું છે. જો કે આવી સ્થિતી ત્યારે જ સર્જાશે જ્યારે વોટિંગની નોબત આવશે. ટીએમસીએ આવો કોઈ નિર્ણય કર્યો નથી. જો મહુઆનું સંસદનું સભ્ય પદ જશે તો તે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવી શકે છે. નિયમ મુજબ શિસ્ત સમિતીની રિપોર્ટ લોકસભામાં સંસદના નેતા પ્રધાનમંત્રી મોદી, ઉપ નેતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, અને સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી જ રજુ કરી શકે છે.
સંસદમાં આજે શું થશે?
સરકાર એથિક્સ કમિટીના રિપોર્ટની ભલામણો પર સંસદનો અભિપ્રાય જાણશે, જો વિપક્ષ મહુઆ મોઈત્રાને લોકસભામાંથી હટાવવા માટે વોટિંગ કરાવવાની માગ કરશે તો લોકસભામાં મતદાન થશે. જો મતદાન થશે તો ચોક્કસપણે ભાજપ અને તેના સાથી પક્ષોની જીત થશે કારણ કે લોકસભામાં તેમની બહુમતી છે.
મહુઆ પર શું આરોપ છે?
ઉલ્લેખનિય છે કે ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રા પર લોકસભાની વેબસાઈટનું લોગ-ઈન અને પાસવર્ડ વિદેશમાં રહેતા એક ભારતીય બિઝનેશમેન સાથે શેઅર કરવાનો આરોપ છે. બિજેપી સાંસદ નિશિકાંત દુબેના ખુલાસા બાદ ઘેરાયેલી મહુઆએ તેને મીડિયા સામે પણ સ્વિકાર્યો હતો. તેમની દલીલ છે કે લોગ-ઈન ડીટેલ તો સાંસદો કોઈની પણ સાથે શેર કરે જ છે. જો કે મહુઆ મોઈત્રા પર ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરૂધ્ધ એજન્ડા ચલાવવા માટે હરિફ ઉદ્યોગપતિ દર્શન હીરાનંદાની સાથે સાંઠગાઠનો આરોપ છે. હીરાનંદાનીએ તે પણ કહ્યું કે તેમણે અદાણી સામે સંસદમાં સવાલ ઉઠાવવા માટે મહુઆ મોઈત્રાને પૈસા અને મોંઘી ગિફ્ટ આપી છે.