ઓડિશાના બાલાસોર જિલ્લાના બહાનાગા રેલવે સ્ટેશન પાસે એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ. આ ઘટનામાં 238 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે 900 જેટલા લોકો અકસ્માતમાં ઘાયલ થયા છે. 650 જેટલા દર્દીઓને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને લઈ પીએમ મોદીએ ઈમરજન્સી બેઠક બોલાવી છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્થળ મુલાકાત પણ લીધી છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. હજી પણ આ મૃત્યુ આંક વધવાની શક્યતા છે. મળતી માહિતી અનુસાર ઘાયલ લોકો માટે લોહી આપવા મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ પહોંચી ગયા છે.
અશ્વિની વૈષ્ણવે લીધી સ્થળ મુલાકાત!
રેલવે મંત્રીના રાજીનામાની કરવામાં આવી માગ!
રેલવે દુર્ઘટના બાદ રાજકીય પાર્ટીઓ તેમજ રાજનેતાઓ દ્વારા શોક પ્રગટ કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ રાજકીય પાર્ટીઓ અશ્વિની વૈષ્ણવના રાજીનામાની માગ કરી રહ્યા છે. મહત્વનું છે કે રેલવે મંત્રીએ શનિવાર સવારે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને ઘટના અંગે તપાસ કરવાના આદેશ આપી દીધા હતા. આ ઘટનાને લઈ ઓડિશાના મુખ્યમંત્રીએ શોક પ્રગટ કર્યો છે.
અનેક કાર્યક્રમોમાં કરાયો ફેરફાર!
દુર્ઘટનાને પગલે અનેક કાર્યક્રમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઘટનાને પગલે ઓડિશા સરકારે એક દિવસ રાજ્ય શોક જાહેર કર્યો છે. તે સિવાય ગોવા-મુબંઈ વચ્ચે ચાલનારી વંદે ભારત ટ્રેનને પીએમ મોદી લીલી ઝંડી બતાવાના હતા. આ ઘટનાને પગલે આ કાર્યક્રમને રદ્દ કરવામાં આવ્યો છે. રેસ્ક્યુ માટે એનડીઆરએફની ટીમને ઉતારી દેવામાં આવી છે. દુર્ઘટના બાદ સોશિયલ મીડિયા પર આ ઘટના ટ્રેન્ડ થઈ રહી છે.