પ્રધાનમંત્રી મોદીને પણ પૂર્વ પીએમ રાજીવ ગાંધીની જેમ બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી છે. મોદી સોમવારે બે દિવસની કેરળ યાત્રા પર જવાના છે. આ દરમિયાન ધમકીભર્યો પત્ર મળ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે પીએમ મોદીને પણ રાજીવ ગાંધીની જેમ ઉડાવી દેવામાં આવશે. આ ધમકીભર્યા પત્ર બાદ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે, અને તપાસમાં લાગી ગઈ છે.
પત્ર મલયાલમમાં લખાયો
અત્રે ઉલ્લેખનિય છે કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે સુરેન્દ્રનના કાર્યાલયમાં કોચીના એક વ્યક્તિ દ્વારા કથિત રીતે મલયાલમમાં પત્ર લખ્યો હતો. તેમણે આ પત્ર ગત સપ્તાહે પોલીસને સોંપ્યો હતો.
પોલીસે તપાસ શરૂ કરી
પોલીસે પત્રની તપાસ શરૂ કરી તો તેમાં એનકે જોની નામની એક વ્યક્તિએ પત્ર લખ્યો હતો. પોલીસે કોચીના મુળ નિવાસી જોની સાથે પૂછપરછ કરીતો તેણે પત્ર લખ્યો હોવાનો ઈન્કાર કર્યો હતો. જો કે જોનીએ અન્ય એક વ્યક્તિ પર આરોપ લગાવ્યો, જે તેમના પ્રત્યે દ્વેષ રાખે છે. પોલીસે પત્રના લખાણ સાથે જોનીના લખાણને પણ સરખાવ્યું હતું. કેરળના પ્રદેશ ભાજપ અધ્યક્ષ સુરેન્દ્રને પ્રધાનમંત્રીની યાત્રા સંબંધિત વીવીઆઈપી સુરક્ષા યોજના ને લિક કરવાને લઈ પોલીસની ટીકા કરી હતી.