લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી છે. મણિપુરથી આ યાત્રાનો પ્રારંભ થયો છે અને હાલ આ યાત્રા ગુજરાતમાં છે. ગઈકાલે દાહોદના ઝાલોદથી ગુજરાતમાં આ યાત્રાનો પ્રવેશ થયો અને આજે અને આવતી કાલ સુધી આ યાત્રા ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ફરશે. અલગ અલગ જગ્યાઓ પર રાહુલ ગાંધીનું સન્માન કરવામાં આવશે, અનેક જગ્યાઓ પર પદયાત્રા રાહુલ ગાંધી કરશે. મળતી માહિતી અનુસાર રાહુલ ગાંધી દાહોદ બસ સ્ટેન્ડથી સરકાર પટેલ સર્કલ સુધી પદયાત્રા કરશે.
શું રહેશે આજે ભારત જોડો ન્યાય યાત્રાનો રૂટ?
ગુજરાતમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો પ્રવેશ ગઈકાલે થઈ ગયો હતો. આજે ગુજરાતમાં આ યાત્રાનો બીજો દિવસ છે. વિવિધ વિસ્તારોમાંથી આ યાત્રા પસાર થવાની છે. ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીએ પદયાત્રા કરી હતી પરંતુ આ વખતે રાહુલ ગાંધી ગાડીમાં ફરી રહ્યા છે, અનેક જગ્યાઓ પર જ માત્ર પદયાત્રા તેઓ કરી રહ્યા છે. ત્યારે આજે આ યાત્રા દાહોદ અને પંચમહાલ બે જિલ્લામાં ફરશે.લીમખેડાથી પીપલોદ અને ત્યાંથી પંચમહાલ જિલ્લાના ગોધરા પહોંચશે. ગોધરામાં બેઠક બાદ હાલોલ જવા રવાના થશે. ન્યાય યાત્રા હાલોલથી પાવાગઢ જશે. પાવાગઢથી શિવરાજપુર અને ત્યાંથી જાંબુઘોડા પહોંચશે. અને રાત્રી રોકાણના વ્યવસ્થા બોડેલી ખાતે કરવામાં આવી છે.
અનેક મુદ્દાઓને લઈ પીએમ મોદી પર રાહુલ ગાંધીએ સાધ્યું નિશાન!
10 માર્ચ સુધી રાહુલ ગાંધીની આ યાત્રા ગુજરાતમાં રહેશે. ગઈકાલે જ્યારે રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. મોંઘવારી, બેરોજગારી તેમજ અદાણી મુદ્દે પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. આદિવાસીઓને લઈ રામ મંદિરને લઈ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે દેશના 2-4 ટકા લોકોને બધું ધન આપવામાં આવી રહ્યું છે. હું 4000 કિલોમીટર ચાલ્યો. ભારતમાં સૌથી મોટો મુદ્દો બેરોજગારી છે. બીજો મુદ્દો મોંઘવારી. તમે રામ મંદિરનું ઉદ્ઘાટન જોયું. રાષ્ટ્રપતિ આદિવાસી છે, તેમનો ચહેરો તમે ટીવી પર જોયો? એક દલિત, ખેડૂત જોયો તમે? આવી રાજનીતિ થઈ રહી છે. એટલે અમે ભારત જોડો યાત્રા કરી.
ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયાએ કર્યું હતું રાહુલ ગાંધીનું સ્વાગત!
ગુજરાતમાં આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ વચ્ચે ગઠબંધન કરવામાં આવ્યું છે. 24 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર લડશે જ્યારે ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર લડશે. ગઠબંધન થયા બાદ એવું લાગતું હતું કે આપ પણ આ યાત્રામાં જોડાશે. તે બાદ સમાચાર આવ્યા કે કોંગ્રેસે આમ આદમી પાર્ટીને આમંત્રણ આપ્યું છે અને ગઈકાલે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશી ત્યારે તેમને આવકારવા માટે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ, કોંગ્રેસના દિગ્ગજ નેતા, કાર્યકરો તેમજ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી તેમજ ગોપાલ ઈટાલિયા હાજર રહ્યા હતા. ત્યારે આવનાર દિવસમાં ચૈતર વસાવા પણ આ યાત્રામાં જોડાઈ શકે છે તેવી માહિતી સામે આવી છે.