સમગ્ર દેશમાં હાલ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ગરમીથી બચવા અનેક રસ્તાઓ લોકો અપનાવતા હોય છે. ત્યારે થોડા સમય પહેલા એક ફોટો વાયરલ થયો હતો જેમાં એક મહિલા ગરમીમાં પોતાના સંતાનો સાથે દેખાઈ રહી છે. પરિસ્થિતિ ખરાબ હોવાને કારણે એક દીકરીએ ગરમીથી રક્ષણ મેળવવા પગમાં પ્લાસ્ટિકની થેલી પહેરી છે. મળતી માહિતી અનુસાર આ ફોટો મધ્યપ્રદેશના શ્યોપુરનો છે. આ ફોટો જ્યારે કલેક્ટરના ધ્યાનમાં આવ્યો ત્યારે તેમણે મહિલા કોણ છે તે અંગેની તપાસ કરાવી અને જ્યારે મહિલા અંગેની માહિતી મળી તે બાદ દીકરીને ચપ્પલ, નવા કપડા તેમજ યોજનાઓનો લાભ અપાવ્યો હતો.
ચપ્પલ ન મળતા દીકરીએ પગમાં પહેરી પ્લાસ્ટીકની થેલી!
સોશિયલ મીડિયા પર અનેક એવા ફોટા તેમજ વીડિયો વાયરલ થતા હોય છે જે આપણને વિચારવા પર મજબૂર કરી દેતા હોય છે. ત્યારે હાલ સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થયો હતો જેમાં એક મહિલા પોતાના બાળકો સાથે દેખાઈ રહી છે. ચપ્પલની સુવિધા ન હોવાને કારણે પ્લાસ્ટિકની બેગ પહેરી બાળકી ઉભી છે. જ્યારે આ ફોટો જિલ્લા કલેક્ટરના ધ્યાનમાં આવી ત્યારે મહિલા અંગે તપાસ કરવામાં આવી . મળતી માહિતી અનુસાર દર મંગળવારે જનસુનવાઈનું આયોજન કરવામાં આવે છે. જેમાં લોકોને પડતી મુશ્કેલીનું સમાધાન લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવેલા કામને કારણે તેમની વાહવાહી કરવામાં આવી રહી છે.
કલેક્ટરના ધ્યાનમાં ફોટો આવતા કરાઈ મહિલા અંગે તપાસ!
મહિલાની બાળકી સાથેનો ફોટો સામે આવતા શ્યોપુરના કલેક્ટર શિવમ વર્માએ આ વાતની નોંધ લીધી હતી. મહિલા અંગેની તપાસ કરાવા મહિલા બાળ વિકાસ વિભાગને આદેશ આપ્યો હતો અને પરિવારને શોધીને જનસુનવાઈ કાર્યક્રમમાં બોલાવા માટે કહ્યું હતું. વિભાગને પરિવાર અંગેની માહિતી આપતા કહ્યું કે પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી નથી. ઝુંપડીમાં પરિવાર રહે છે. ઘર ચલાવવા માટે માતા મજૂરી કામ કરે છે અને પિતા ટીબીની બિમારીથી પીડાઈ રહ્યા છે. તેમની ત્રણ દીકરીઓ છે જેમનું નામ કાજલ, ખુશી અને મહેક છે.
કલેક્ટરે બાળકીઓને નવા કપડા તેમજ ચપ્પલ આપ્યા!
કલેક્ટરે પરિવારનો સંપર્ક કર્યો હતો અને પરિવારની આર્થિક સ્થિતિ અંગે જાણકારી મેળવી ઉપરાંત સરકારી યોજનાનો લાભ પરિવારને મળે છે કે નહીં તે અંગે પણ જાણકારી મેળવી હતી. કલેક્ટરે બાળકીને નવા કપડા તેમજ નવા ચપ્પલ અપાવ્યા. ઉપરાંત તાત્કાલિક પૈસાની મદદ પણ કરી હતી. ઉપરાંત દીકરીઓને શાળામાં પ્રવેશ મળે, પુસ્તકો, ડ્રેસની સુવિધા ઉપલબ્ધ કરાવા આદેશ આપ્યો છે. કલેક્ટર શિવમ વર્માના વખાણ હાલ થઈ રહ્યા છે.