માગશર મહિનાની પૂર્ણિમાએ દત્તાત્રેય જયંતી ઉજવવામાં આવે છે. દત્તાત્રેય ભગવાનને બ્રહ્મા, વિષ્ણુ તેમજ ભગવાન શંકરના અવતાર માનવામાં આવે છે. ઋષિ અત્રિ અને અનુસૂયાને ત્યાં ત્રિદેવ સંતાન સ્વપરૂપે પ્રગટ થયા હતા. દત્તાત્રેય ભગવાનને ભગવાનના નારાયણના અવતારોમાંનો એક અવતાર માનવામાં આવે છે. ભગવાન દત્તાત્રેયમાં બ્રહ્મા, વિષ્ણુ તેમજ શિવજીની શક્તિઓ સમાયેલી હોવાથીએવું માનવામાં આવે છે કે દત્તાત્રેય ભગવાનના નામ સ્મરણ માત્રથી કષ્ટો દૂર થઈ જાય છે ઉપરાંત તમામ મનોકામના પૂર્ણ થાય છે.
શું છે પૌરાણીક કથા?
પૌરાણિક માન્યતા અને દંતકથાઓ અનુસાર અત્રિમુનીના પત્ની અનુસુયાના સતિવ્રતાની ચર્ચા ત્રણેય લોકમાં થઈ રહી હતી. પોતાના પતિ વ્રત ધર્મ અંગે પાર્વતીજી, લક્ષ્મીજી તેમજ સરસ્વતીજીને ખૂબ અભિમાન હતું. પરંતુ દેવતાઓ દ્વારા અનુસુયાના વખાણ સાંભળી દેવીઓમાં ઈર્ષા આવી. ખૂબ ચર્ચાઓ થતા ત્રિ-દેવીયોએ ત્રિ-દેવોને તેમની પરીક્ષા લેવા કહ્યું.
માતા અનુસુયાએ ત્રિદેવોને બાળકો બનાવી દીધા!
અત્રી ઋષિની ગેરહાજરીમાં ત્રણેય દેવતાઓ તેમના આશ્રમમાં આવ્યા. માતા અનુસુયા સમક્ષ ભોજનની માગ કરી પરંતુ એક શરત સાથે.શરત એવી હતી કે માતા અનુસુયાએ નિર્વસ્ત્ર થઈ ભોજન પીરસવું પડશે. આ સાંભળ્યા બાદ માતા અનુસુયાએ યાત્રીકો બનીને આવેલા દેવતાઓ પર પાણી છાંટી દીધું. પોતાના પતિવ્રતાના બળને કારણે તેમણે છાંટેલા પાણીથી ત્રણેય દેવતાઓ બાળક બની ગયા. અને માતા અનુસુયાએ ત્રણેયને દૂધ પીવડાવ્યું. અને અનેક વર્ષો સુધી ત્રણેય દેવતાઓની માતા બની માતા અનુસુયા તેમનો ઉછેર કરવા લાગ્યા.
દત્તાત્રેય ભગવાનને 3 મસ્તક છે અને 6 ભૂજાઓ છે
જ્યારે ત્રણેય દેવીઓને પોતાની ભૂલ સમજાઈ તે બાદ ત્રિ-દેવી માતા અનુસુયા પાસે ગયા અને માફી માગી. પોતાના પતિને સાથે લઈ જવાની વાત કરી. માતા અનસુયાએ કહ્યું કે આ ત્રણેયે મારૂ દૂધ પીધું છે એટલે એમને બાળક બની મારી પાસે રહેવું પડશે. આ વાત સાંભળીને ત્રણેય દેવતાઓએ પોતાની શક્તિથી પોતાના અંશોને ભેગા કરી એક નવો અંશ ઉત્પન્ન કર્યો. જેમને આપણે દત્તાત્રેય ભગવાન તરીકે ઓળખીયે છીએ. દત્તાત્રેય ભગવાનને ત્રણ મસ્તક છે અને 6 ભૂજાઓ છે.
પોતાના જીવનકાળ દરમિયાન દત્તાત્રેય ભગવાને બનાવ્યા 24 ગુરૂ
ભગવાન દત્તાત્રેયે પોતાના જીવનકાળ દરમિયાન 24 ગુરૂઓ બનાવ્યા હતા. તેઓ દરેકમાંથી કંઈકને કંઈક શીખતા રહ્યા. તેમના ગુરૂની વાત કરીએ તો પૃથ્વી, પાણી, આકાશ, વાયુ, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, કરોળીયું, પતંગિયું, સમુદ્ર, મધમાખી, બાણ કરનારો વ્યાઘ્ર, મધુહારક, ગજ, મૃગ, ભ્રમરી, માછલી, અજગર, બાળક, કુમારી કંકણ, સર્પ, ગણિકા, કપોત,ચાર શ્વાન એટલે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. સામાન્ય રીતે આપણે માનતા હોઈએ છીએ કે દરેકમાં સારો ગુણ હોય જ છે આપણને ઓળખતા અને પોતાનામાં અપનાવતા આવડવો જોઈએ. દરેકમાંથી કંઈને કંઈ શિખવું જોઈએ તેવું દત્તાત્રેય ભગવાન આપણને સમજાવે છે. જમાવટ તરફથી તમામ દર્શકોને દત્તાત્રેય જયંતીની હાર્દિક શુભકામના.
નોંધ - અહીંયા આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે....