આપણું ગુજરાતી કલ્ચર અને તેના ગીતોને બોલિવુડમાં એક આગવું સ્થાન મળી રહ્યું છે. આજકાલ એવી અનેક બોલિવુડની ફિલ્મો આવી રહી છે જેમાં ગુજરાતીપણું અને ગુજરાતી કલ્ચર તેમજ ગુજરાતી ગીતોની જલક જોવા મળે છે. થોડા સમયથી બોલિવુડની એવી અનેક ફિલ્મો છે જેની આખી સ્ટોરી ગુજરાતી ફેમેલી પર આધારિત હોય અથવા તો ગુજરાતી સાહિત્યથી પ્રેરિત ગીતોને ફિલ્મોમાં સ્થાન આપવામાં આવે છે. બોલિવુડની ફિલ્મોમાં ગુજરાતી ગરબાનું રિમિક્સ કરેલા સોંગ્સ, છોગાળા તારા થી લઈને મોર બની થનગાટ કરે જેવા ગુજરાતી ગીતોને સ્થાન મળ્યું છે. ગુજરાતી સાહિત્યથી પ્રેરિત થયેલા ગીતો ન માત્ર ભારતમાં પરંતુ વિશ્વસ્તરે પ્રખ્યાત થયા છે. આદિત્ય ગઢવી, પાર્થ ઓઝા સહિત એવા અનેક ગાયકો છે જેઓ ગુજરાતી ગીતોને અલગ મૂકામ પર લઈ ગયા છે. ત્યારે બોલિવુડમાં ગુજરાતી ભાષાને આગવું સ્થાન અપાવનાર એવા દર્શન રાવલની વાત કરવી છે.
189 ક્રમે આવ્યું દર્શન રાવલનું આ સોન્ગ
દર્શન રાવલ આમ તો ગુજરાતી છે પરંતુ તેમનો અવાજ દુનિયાભરમાં ગુંજી રહ્યો છે. બોલિવુડના અનેક ગીતોમાં તેમણે અવાજ આપ્યો છે. ત્યારે થોડા સમય પહેલા મેરે માહિયા જીના સોના સોન્ગ રિલીઝ થયું હતું જે બાદ દર્શનનો અવાજ ન માત્ર ભારતમાં પરંતુ દુનિયાભરમાં ફેમસ થઈ ગયો છે. સ્પોટિફાય પર તેમના આ સોન્ગે પોતાનું સ્થાન બનાવ્યું છે. જે લિસ્ટમાં સોન્ગે સ્થાન મેળવ્યું છે તે 9-7-2023નું છે. સ્પોટિફાય ગ્લોબલ પ્લેલિસ્ટ રિલીઝ કરે છે. તેમાં દર્શન રાવલના આ સોન્ગે ગ્લોબલ રેન્કિંગમાં 189મું સ્થાન મેળવ્યું છે. સોશિયલ મીડિયા પર તેમણે એક પોસ્ટ કરી છે જેમાં આ અંગેની માહિતી આપી હતી. આ સોન્ગ દર્દ આલ્બમ -2નું છે. અને હવે 18 જુલાઈએ આ આલ્બમનું બીજું સોન્ગ 'લો આઈ બરસાત' રિલીઝ થવાનું છે.
આ આલ્બમ તેના દિલથી ખૂબ નજીક છે - દર્શન રાવલ
આલ્બમ દર્દ-2નું આ સોન્ગ જ્યારે રિલીઝ થયું હતું ત્યારે દર્શન રાવલે કહ્યું કે આ આલ્બમ તેમના દિલના ખૂબ નજીક છે. તેમણે કહ્યું હતું કે હું આશા રાખું છું કે આ ગીત ફેન્સના દિલને સ્પર્શી જશે. જે બેનર હેઠળ આ આલ્બમ રિલીઝ થયું છે તેમણે કહ્યું કે દર્શનની પ્રતિભા અને સમર્પણ ખરેખર પ્રશંસનીય છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે દર્શને અમદાવાદનું નામ કર્યું રોશન
આમ, એક ગુજરાતી ગાયક વિશ્વસ્તરે આટલી ઊંચાઈઓ પ્રાપ્ત કરી રહ્યાં છે, તેના કારણે એક ગુજરાતી તરીકે આપણે પણ ગર્વ કરવો જોઈએ. દર્શન રાવલ હવે માત્ર અમદાવાદ અને ગુજરાતના જ નહીં પરંતુ રાષ્ટીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ગુજરાત અને અમદાવાદનું નામ રોશન કરી રહ્યાં છે.