ભક્તો ભગવાનના નજીકથી દર્શન કરી શકે તે માટે થોડા સમય પહેલા યાત્રાધામ ડાકોરમાં વીઆઈપી સર્વિસ શરૂ કરવામાં આવી હતી. પૂરૂષો માટે 500 રુપિયાનો ચાર્જ નક્કી કરવામાં આવ્યો હતો જ્યારે મહિલાઓ માટે 250 રૂપિયાનો ચાર્જ નક્કી કરાયો હતો. આ નિર્ણય સામે આવ્યા બાદ ભારે હોબાળો તેમજ વિવાદ છેડાયો હતો. વીઆઈપી દર્શન વાળો નિર્ણય પરત લેવામાં આવે તે માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે ડાકોરના મંદિર કમિટી દ્વારા વીઆઈપી દર્શનનો નિર્ણય પરત લેવામાં આવ્યો છે. મંદિરે વીઆઈપી દર્શનનો નિર્ણય પાછો ખેંચ્યો છે. આ નિર્ણય લેવાતા ભક્તોમાં આનંદની લાગણી વ્યાપી ઉઠી છે.
પુરૂષ અને મહિલા દર્શનાર્થીઓ માટે આ હતા દર્શનના રેટ
મંદિર કમિટી દ્વારા નિર્ણય પરત તો લેવામાં આવ્યો છે પરંતુ નિર્ણયની વાત કરીએ તો ડાકોરના ઠાકોર રણછોડરાયજીના મંદિરમાં પુરુષ દર્શનાર્થીઓ માટે 500 જ્યારે મહિલા દર્શનાર્થીઓ માટે 250 રૂપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. મહિલાઓની લાઈનમાં પુરૂષે જઈ દર્શન કરવા હોય તો 250 રૂપિયા ચાર્જ વસૂલાશે. મહિલાઓ માટેની દર્શનની જાળીએથી પુરુષે દર્શન કરવા હોય તો 250 રૂપિયા ન્યોછાવર પેટે ચાર્જ વસુલાશે. 12 વર્ષથી નાની ઉંમરના બાળકો હશે તો તેમની અલગથી ટિકિટ લેવાની જરૂર પડશે નહીં. આ માટે ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. જ્યારથી આ નિર્ણય મંદિર કમિટી દ્વારા લેવામાં આવ્યો હતો ત્યારથી ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. ભક્તોની લાગણી આ નિર્ણયને કારણે દુભાઈ હતી. આ નિર્ણયનો ભક્તોએ વિરોધ કર્યો હતો. ત્યારે વિવાદ વધતા ટેમ્પલ કમિટી દ્વારા આ વીઆઈપી દર્શન વાળા નિર્ણયને પરત લઈ લેવામાં આવ્યો છે. શુક્રવારે આ અંગેની જાણકારી સત્તાવાર રીતે મંદિર કમીટિ દ્વારા આપવામાં આવી હતી.